गुजरात

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since morning amid possibility of arrival of monsoon in vadodara



Vadodara Weather : આગામી ચોમાસાના દિવસો નજીકમાં છે ત્યારે શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા સુરજદાદાની વાદળા પાછળ સંતાકૂકડી ચાલી રહી છે.

ચોમાસાના દિવસો હવે નજીક આવી રહ્યા છે ત્યારે વડોદરામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણથી ગરમી અને ઉકળાટમાં રાહતનો અહેસાસ થતો રહ્યો હતો. આકાશમાં ઘેરાયેલા સામાન્ય વાદળાના કારણે સુરજદાદા જાણે તેની પાછળ સંતાકૂકડી રમતા હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. દિવસની શરૂઆતથી જ સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં જોવા મળ્યો ન હતો અને વચ્ચે-વચ્ચે વાદળોના પડછાયાને કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો હતો.

ગત કેટલાક દિવસોથી અનુભવાતી કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે આજે વાતાવરણમાં આવેલા બદલાવથી શહેરીજનોને રાહત મળી હતી. સવારે કામધંધા અને નોકરી-વ્યવસાય માટે નીકળેલા લોકોએ પણ ગરમી અને ઉકળાટમાં આંશિક રાહત અનુભવાઇ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આકાશ સતત વાદળોથી ઢંકાયેલું રહેતાં વરસાદી માહોલની યાદ આવી હતી. પરંતુ ભેજનું પ્રમાણ વધતાં ચોમાસાના આગમનની આહટ સ્પષ્ટપણે અનુભવાઈ રહી હતી.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી અનુકૂળ પરિસ્થિતિઓના કારણે ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવનાઓ મજબૂત બની રહી છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનના ઝોકાઓ વચ્ચે શહેરમાં ચોમાસા પૂર્વેનો આનંદમય માહોલ સર્જાયો હતો. હવે ખેડૂતો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકો સૌની નજર આગામી દિવસોમાં ચોમાસાના પ્રથમ વરસાદ પર ટકેલી છે.



Source link

Related Articles

Back to top button