ટેન્સાઇલ કંપનીની 300 કરોડની જમીન પ્રમોટર પાસે 123 કરોડનું રોકાણ કરાવી બોગસ લીઝ ડીડથી આપી દીધી | Tensile company was leased on a bogus deed after promoter invested Rs 123 crore

![]()
વડોદરાઃ માંજલપુર વિસ્તારમાં આવેલી અંદાજે ૩૦૦ કરોડ જેટલી બજાર કિંમતની ૧૦ લાખ ફૂટ જેટલી જમીન ધરાવતી ટેન્સાઇલ સ્ટીલ કંપનીની જમીનનો વિવાદ સામે આવ્યો છે. જેમાં કંપનીના પૂર્વ ડાયરેક્ટરે એક પ્રમોટરને કંપની બેઠી કરવા તૈયાર કર્યા બાદ તેણે બોગસ લીઝ ડીડ બનાવીને કંપની અમદાવાદના બિલ્ડરને આપી દઇ હાઇકોર્ટના હુકમનું ઉલ્લંઘન કરતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
શહેરના જામ્બુવા વિસ્તારની પટેલ ખડકીમાં રહેતા સ્નેહદીપ રીયાલ્ટી પ્રા.લિ.ના સંચાલક સંજય પટેલે પોલીસને કહ્યું છે કે,મે-૨૦૨૪માં માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ (પીએચસી અને પદમાવતી બિલ્ડકોનના ડાયરેક્ટર) અને ભાવેશ અમીને મારો સંપર્ક કરી કંપનીની જમીનનું સુંદર ચિત્ર રજૂ કર્યું હતું.તેમણે કંપનીને બેઠી કરવાથી કરોડોનો ફાયદો થશે તેવી લાલચ આપતાં મેં કંપનીનો બોજો,શેર હોલ્ડર્સને ચૂકવણું તેમજ અન્ય જવાબદારીઓ મળી રૃ.૧૨૩ કરોડનું રોકાણ કર્યું હતું.આ માટે કરાર પણ કર્યા હતા અને તા.૮-૧-૨૬થી મેં કંપનીને ટેક ઓવર કરતાં અમિત શાહે ડાયરેક્ટર પદે રાજીનામું આપ્યું હતું.
ત્યારપછી બે દિવસ પહેલાં જૈમિન ગાંધી નામનો શખ્સ સવારે ૨૦ થી ૨૫ માણસોને લઇ કંપની અને જમીન પર કબજો કરવા આવ્યો હતો.તેણે કહ્યું હતું કે આ કંપની અમદાવાદની શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ના માલિક ભાવેશ અમીનને કાયમી ધોરણે લીઝ પર આપી છે.જો તમે ખાલી નહિ કરો તો ટાંટિયા તોડી નાંખીશું.
સંજય પટેલે કહ્યું છે કે,મારી પાસે કંપનીના ૮૭.૬૨ ટકા શેર છે.સરકારે આ જમીન ૧૯૬૦માં શરતો સાથે ટેન્સાઇલ સ્ટીલને આપી હતી.હાઇકોર્ટે પણ જમીન તબદીલ નહિ કરવા આદેશ આપેલો હોવા છતાં લીઝ પર જમીન અપાતાં તપાસ કરી હતી.જે દરમિયાન જાણવા મળ્યું હતું કે,અમિત શાહે રાજીનામું આપ્યાના ચાર મહિના પછી અનધિકૃત રીતે ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને સુરેશ રાજપૂતને પાવર આપી લીઝ ડીડ તૈયાર કરાવી ભાવેશ અમીન પાસે રૃ.૧૦ કરોડ પડાવ્યા હતા અને જમીનનું માસિક ભાડું માત્ર રૃ.૧લાખ નક્કી કર્યું હતું.જેથી પોલીસે આઠ જણા સામે ગુનો નોંધ્યો છે.
‘ટેન્સાઇલ સ્ટીલના જમીન પ્રકરણમાં કોની કોની સામે ગુનો નોંધાયો
આરોપીનું નામ સરનામું
(૧) અમિત મુકેશભાઇ શાહ
(પીએચસી બિલ્ડકોન
અને પદમાવતી બિલ્ડકોનના ડાયરેક્ટર) કુંજ સોસાયટી,અલકાપુરી,વડોદરા
(૨) ભાવેશ અમીન(શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.
ના માલિક) શ્રીમ હાઉસ,યોગી કમ્પાઉન્ડ પાછળ, થલતેજ,અમદાવાદ
(૩) કિશોર જગજીવનદાસ સુરતવાલા
(ટેન્સાઇલ સ્ટીલના ડાયરેક્ટર,સહી
કરવાની સત્તા) ક્રિષ્ણાવેલી ફ્લેટ્સ,અમિતનગર સર્કલ, કારેલીબાગ
(૪) સુરેશ ગણપતભાઇ રાજપૂત(ડાયરેક્ટર
ટેન્સાઇલ સ્ટીલ) રંગ અવધૂત પુરા,દિવાળીપુરા,વડોદરા
(૫) ભુમિષ્ઠા મકવાણા(લીઝ ડીડમાં
શ્રીમ કન્સ્ટ્રક્શન વતી સહી કરનાર) ક્રિષ્ણા એપાર્ટમેન્ટ,કબાડી માર્કેટ,બહેરામ પુરા,અમદાવાદ
(૬) નરેશ કંચનલાલ રાણા(ડીડ સાક્ષી) ફતેગંજ,રાણાવાસ,વડોદરા
(૭) મહેશ બાબુભાઇ પટેલ(ડીડ સાક્ષી) ભોજ ગામ,તા.પાદરા,જિ.વડોદરા
(૮) જૈમિન ગાંધી અને ૨૦થી ૨૫ સાગરીતો
(જમીનનો કબજો લેવા ધાકધમકી આપનાર) રામજી ખડકી,ભોજ ગામ,પાદરા
ડાયરેક્ટર નથી છતાં અમિત શાહનો સરકારી વિભાગોમાં હસ્તક્ષેપ
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે,ટેન્સાઇલ સ્ટીલના ડાયરેક્ટર તરીકે રાજીનામું આપનાર અમિત મુકેશભાઇ શાહે સરકારી વિભાગો અને વિવિધ સંસ્થાઓમાં પોતે ડાયરેક્ટર તરીકે કંપનીનું બિનઅધિકૃત રીતે પ્રતિનિધિત્વ કરતા હતા.તેઓ કંપનીના રેકોર્ડ્સ અને કારોબારમાં હસ્તક્ષેપ કરી સરકારી વિભાગો અને સંબંધિત સંસ્થાઓને કંપનીના વહિવટ માટે ભ્રમિત કરતા હતા.
અલકાપુરીનો બંગલો પડાવવાના કેસમાં અમિત અને તેના ભાઇ સામે લુકઆઉટ નોટિસ
અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં રૃ.પ કરોડની કિંમતનો ગણાતો બંગલો પડાવી લેવા માટે નાગપુરમાં રહેતા માલિક ડો.નીના પરીખે બે મહિના પહેલાં ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી કહ્યું હતું કે,મારા પિતાએ મુકેશ જમનાદાસ શાહને પ્રોપર્ટી લીઝ કરી આપી હતી અને તેની સમયમર્યાદા સમયાંતરે વધારતા હતા.પિતાના અવસાન બાદ રકમની ચૂકવણી બંધ થતાં અમે નોટિસ આપી હતી. સપ્ટેમ્બર-૨૦૦૯માં મુકેશ શાહના બે પુત્રો અમિત અને સુરભિત શાહના નામે ખોટી સહીઓ કરીને વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. આરોપીએ કોર્ટમાં રૃ.૧૫લાખ ચૂકવ્યાની વાત કરી હતી.પરંતુ તે વખતે મારા પિતા હયાત જ નહતા.ગોત્રી પોલીસ આ ગુનામાં બંને ભાઇઓને શોધી રહી છે અને તમામ એરપોર્ટને લુકઆઉટ નોટિસો મોકલી છે.



