વોર્ડ નંબર 4માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફરી વિવાદ : હાલના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા નહીં પડાવતા ચર્ચાનો વિષય | Current corporator not taking photos with former corporator in tree plantation program in Ward No 4

![]()
Vadodara Corporation : વડોદરા ખાતે ન્યુ વીઆઇપી રોડ મુખી નગર સોસાયટી પાસે આજે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા નહીં પડાવતા ફરી વિવાદ સર્જાયો હતો.
ન્યુ વીઆઇપી રોડ વૈકુંઠ સોસાયટી પાસે તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી તરીકે ભાજપ પક્ષ તરફથી પૂર્વ મેયરને મોકલવામાં આવ્યા હતા તેઓને કયા સ્થળે પહોંચવાનું છે તે મુદ્દે હાલના કોર્પોરેટરને વોર્ડ પ્રમુખની ફરિયાદ કરતા વોર્ડ નંબર ચારના હાલના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે તું તું મે મે થઈ હતી. અને પૂર્વ મેયરનું અપમાન કર્યું હતું.
વોર્ડ નંબર ચારમાં આજે પ્રધાનમંત્રીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા તેના માનમાં ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર પાસે આવેલા મુખીનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે હાલના કોર્પોરેટર અજિત દધીચ અને પૂર્વ કોર્પોરેટર વિનોદ ભરવાડ પણ ઉપસ્થિત હતા તે દરમિયાન ફરી એકવાર હાલના કોર્પોરેટર અજીત દધીચે પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ બોલવાનું શરૂ કરી ડેપ્યુટી મેયર નંદાબેન જોશીને રજૂઆત કરતા હતા કે જેણે અમને લોકોને હરાવવા માટેના પ્રયત્નો કર્યા છે તેવા સાથે અમે ફોટા પડાવીશું નહીં તેમની વાત સાંભળી ડેપ્યુટી મેયર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને બે દિવસ પહેલા થયેલા વિવાદની પણ જાણકારી તેમને મળી હતી તેઓએ પણ હાલના કોર્પોરેટરની આવી માનસિકતા અંગે ગંભીર નોંધ લીધી હતી અને કાર્યક્રમમાં કોઈ વિવાદ થાય નહીં એટલે તેમણે વધુ ચર્ચા કરવાનું ટાળ્યું હતું અને કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. પરંતુ કાર્યક્રમ દરમિયાન હાલના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા પાડવાની ના પાડી દેતા કાર્યકર્તાઓમાં દુઃખની લાગણી પ્રસરી હતી. ફરી એકવાર વિવાદ સર્જાતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પૂર્વ કોર્પોરેટર વિનોદ ભરવાડને ભાજપ પ્રમુખ તરફથી વોર્ડ નંબર 15માં કામગીરી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પછી તેઓ વોર્ડ નંબર ચારમાં ચૂંટણી દરમિયાન હાજર રહેતા ન હતા તેમ છતાં કોર્પોરેટર દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અયોગ્ય કહેવાય તેવી ચર્ચા ચાલી હતી.



