दुनिया

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ, UNSCમાં નોંધાવ્યો કડક વિરોધ | india opposes merchant shipping attacks unsc iran conflict



India Opposes Merchant Shipping Attacks in UNSC : મિડલ ઈસ્ટ અને ઈરાન સંઘર્ષની વચ્ચે વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ સામે પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત આવી હિંસક ઘટનાઓને ક્યારેય સ્વીકારશે નહીં.

‘સેટેબેલો’ નામના જહાજ પર અમેરિકાનો હુમલો જેના પર ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા 

છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આ સંઘર્ષમાં કેટલાક ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ગુમ છે. તાજેતરમાં ઓમાનના કિનારે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ‘સેટેબેલો’ નામના કોમર્શિયલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો છે.

ભારતનું સ્પષ્ટ વલણ

UNSCમાં ભારતે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે:

સંયમ અને સંવાદ: તમામ પક્ષોને યુદ્ધ છોડીને વાતચીતનો માર્ગ અપનાવવા અને હિંસા રોકવા હાકલ કરી છે.

વેપાર અને ઉર્જા સુરક્ષા: ગલ્ફ પ્રદેશમાં 10 મિલિયનથી વધુ ભારતીયો કામ કરે છે. આ ક્ષેત્રમાં અસ્થિરતા ભારતની અર્થવ્યવસ્થા અને ઊર્જા પુરવઠા માટે ગંભીર જોખમ છે.

માનવતાવાદી સહાય: ભારત પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે UNRWAને 2.5 મિલિયન ડૉલરની સહાય આપશે.

શાંતિદૂતોની સુરક્ષા: લેબેનૉનમાં તૈનાત ભારતીય શાંતિદૂતો(UNIFIL)ની સુરક્ષા અંગે ભારત અત્યંત ચિંતિત છે.

યુએનની નિષ્ફળતા પર સવાલ

ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. હરીશ પર્વતનેનીએ કહ્યું કે, વિશ્વના નાગરિકોમાં યુએન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે કારણ કે તે સંઘર્ષોને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. તેનું મુખ્ય કારણ 80 વર્ષ જૂનું સુરક્ષા પરિષદનું આઉટડેટેડ માળખું છે.

શું હતી સમગ્ર ઘટના?

ઓમાનના કિનારે ‘સેટેબેલો’ નામના કોમર્શિયલ ટેન્કર પર થયેલા મિસાઇલ હુમલામાં ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં ભારતે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવીને આ હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, પાલાઉ દેશનું ધ્વજ ધરાવતું ટેન્કર ‘સેટેબેલો’ ઈરાનથી તેલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જે બાદ અમેરિકન વિમાને જહાજના એન્જિન રૂમમાં દારૂગોળો છોડ્યો હતો. 

બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી કંપની ‘વેનગાર્ડ ટેક’ના મતે, જહાજના એન્જિન રૂમમાં મિસાઇલ હુમલો થયો હોવાનો સંદેશો મળ્યો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી હતી.

વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી નાગરાજ નાયડુ દ્વારા અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે વેપારી જહાજો પરના આવા હુમલા અત્યંત ચિંતાજનક છે.



Source link

Related Articles

Back to top button