गुजरात

જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતી મહિલાના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો : 7 મહિલાઓ ઝડપાઈ | Police raid gambling den running in woman’s flat in Golden City area of ​​Jamnagar: 7 women arrested



Jamnagar Gambling Raid : જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલા આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.36,150નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન સિટીના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી ગંજીપત્તાના પાના વડે “તીન પત્તી”નો જુગાર રમાડી રહી છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકના વોરંટ સાથે પોલીસ ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો.

 દરોડા દરમિયાન ફ્લેટના હોલમાં સાત મહિલાઓ ગોળ કુંડાળું વળી જુગાર રમતી ઝડપાઈ હતી. તપાસ દરમિયાન ફ્લેટ માલિક દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજાના કબજામાંથી જુગારની નાલની રકમ સહિત રૂ.8,750 મળી આવ્યા હતા.

 આ ઉપરાંત અન્ય મહિલા આરોપીઓ પાસેથી પણ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. જેમાં નસીમબેન ઇબ્રાહીમભાઈ દલ પાસેથી રૂ.3,750, મધુબેન જેરામભાઈ વાછાણી પાસેથી રૂ.4,800, આશાબેન યોગેશભાઈ મેવાણી પાસેથી રૂ.4,750, લતાબેન હરીશભાઈ હિંદુજા પાસેથી રૂ.5,450, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી રૂ.4,450 તેમજ લીલાબેન ધિરેનભાઈ ઠાકર પાસેથી રૂ.4,200 રોકડા મળી આવ્યા હતા.

 પોલીસે તમામ મહિલાઓ વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કુલ રૂ.36,150નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button