સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, મુંબઈ પોલીસે નર્મદાના વરખડમાં રેડ પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ્યો | Mumbai Police raids Narmada Varkhad gam drug network Questions against local police

Mumbai Police In Narmada: ગુજરાત પોલીસ પોતાની સજાગતાના ગમે તેટલા દાવા કરે, પરંતુ નર્મદા જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સ્થાનિક પોલીસના ‘આંખ-નાક-કાન’ ખુલ્લા છે કે કેમ તે સામે મોટો સવાલ ઊભો કર્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ ખાતે હાલમાં એક ઈસમ નશાકારક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો. મુંબઈ પોલીસે જ્યારે તેની કડક પૂછપરછ હાથ ધરી ત્યારે ડ્રગ્સના આ કાળા કારોબારના તાર છેક ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારી કડી મળતા જ મુંબઈ પોલીસની ટીમ સમય ગુમાવ્યા વિના સીધી નર્મદા જિલ્લામાં ત્રાટકી હતી.
![]() |
| વરખડ ગામની તસવીર |
સ્થાનિક પોલીસ મોટા નેટવર્કથી તદ્દન અજાણ કે પછી હપ્તારાજ?
બીજી તરફ આ સમગ્ર આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની સ્થાનિક પોલીસને કાનોકાન ખબર પણ ન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના બે શંકાસ્પદ શખ્સો મુંબઈની એક હોટલમાંથી સંદિગ્ધ હાલતમાં નશાકારક પદાર્થ સાથે પકડાયા હતા. કડક રહે તપાસ કરતાં આરોપીઓની કબૂલાતને આધારે મુંબઈ પોલીસ તાબડતોબ નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી અને સ્થાનિક પોલીસને માત્ર પ્રક્રિયાના ભાગરૂપે સાથે રાખીને નાંદોદના વરખડ ગામમાં કિલ્લાબંધી કરી દીધી હતી. ગુજરાતની પોલીસ પોતાના જ વિસ્તારમાં ચાલતા આટલા મોટા નેટવર્કથી તદ્દન અજાણ રહી તે ભારે આશ્ચર્ય સાથે ચર્ચાનો વિષય બન્યો છે.

કરોડોની કિંમતોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
મુંબઈ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન બંધ મકાનમાંથી શંકાસ્પદ નશાકારક પદાર્થનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકચર્ચાઓ મુજબ આ આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રતિબંધિત પદાર્થની કિંમત કરોડો રૂપિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, પકડાયેલો આ નશાકારક પદાર્થ કયું કેમિકલ ડ્રગ છે તેની સત્તાવાર પુષ્ટિ અને ચોક્કસ વિગતો હવે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
હાલની સ્થિતિએ મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસે વરખડ ગામના એ ચોક્કસ ઘરની આસપાસ સઘન નાકાબંધી કરી દીધી છે અને આગળની તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટો સપાટો બોલાવ્યા બાદ પણ ગુજરાતની મહાન પોલીસ સ્થાનિક સ્તરે આ સમગ્ર કિસ્સાને ભારે ખાનગી રાખી રહી છે અને વિગતો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક સ્તરે ચાલતી આ ગુપ્તતા જ દર્શાવે છે કે મુંબઈ પોલીસે પાડેલી આ રેડથી ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.


