વડોદરા: સસ્તું સોનું અને 10 કરોડની લોનની લાલચ આપી છેતરપિંડી કરનારા 3 આરોપીઓના જામીન કોર્ટે ફગાવ્યાં | vadodara court denies bail to three accused in crores cheating case

![]()
Vadodara Fraud Case: સસ્તામાં સોનું તેમજ રૂપિયા 10 કરોડની લોન અપાવવાનું કહી રૂપિયા 4.92 કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે ત્રણેય અરજદારોની અરજી નામંજૂર કરી છે.
કેસની વિગત એવી છે કે, આરોપીઓએ કથિત ‘રાધે એન્ટરપ્રાઇઝ’ના નામે ફરિયાદીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી રૂપિયા 4,61,50,000 અને રૂપિયા 10 કરોડની બેંક લોન અપાવવાના બહાને 31,00,000 મળીને કુલ રૂપિયા 4,92,50,000ની રકમ મેળવી લઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ કેસમાં અલ્કેશ દિલીપરાવ ચીખલે, વિરલ અરવિંદભાઈ સાપરિયા અને જગદીશભાઈ શિવાજી પરમારે જામીન અરજી મૂકી હતી.
જામીન અરજીની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો હોવાથી જામીન અરજી નામંજૂર કરવી જોઈએ. ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ત્રણેય અરજદારોની અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, આ એક સંગઠિત આર્થિક ગુનો છે અને તેમાં આરોપીઓની સક્રિય ભૂમિકા જણાઈ રહી છે.


