गुजरात

બારેજામાં પોલીસની મોટી રમત? રેડ કરી કોલ સેન્ટરમાં, ગુનો નોંધ્યો વરલી મટકાનો! ઉપરી અધિકારીને જાણ થતા ‘પોલ’ ખૂલી | Ahmedabad Rural Police Under Scanner Over Alleged Call Center Raid Cover Up in Bareja


Ahmedabad Rural Police: અમદાવાદ રૂરલ પોલીસ (ગ્રામ્ય) વિસ્તારમાં આવેલા અસલાલી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફની એક કામગીરી હાલ પોલીસ બેડામાં અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. બારેજામાં એક કોલ સેન્ટર પર દરોડો પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે મોટું ‘સેટિંગ’ કરી દેવાયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ મામલો જ્યારે ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો ત્યારે પોલીસે કોલ સેન્ટરના કેસને વરલી મટકાના કેસમાં ફેરવી નાખ્યો હોવાનો આક્ષેપ છે.

દરોડો કોલ સેન્ટર પર, ગુનો વરલી મટકાનો!

મળતી માહિતી અનુસાર, અસલાલી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પીએસઆઈ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે બારેજા વિસ્તારમાં ચાલી રહેલા એક કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી કેટલાક યુવકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. હવે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, કાગળ પર કોલ સેન્ટરનો મોટો ગુનો નોંધવાને બદલે અંદરોઅંદર સેટિંગ કરીને તમામને છોડી મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા વહેતી થઈ હતી.

આ સમગ્ર પ્રકરણની ગંધ ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસને આવી ગઈ હતી. તેમણે તાત્કાલિક અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એસ. ચૌધરી અને સર્વલન્સ સ્ટાફની આકરી પૂછપરછ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ઉપરી અધિકારીની ભીંસ વધતાં અસલાલી પોલીસે વચલો રસ્તો કાઢ્યો અને ઘટનાના 24 કલાક બાદ આઝાદ રબારી અને સતીષ રબારી નામના શખસો સામે વરલી મટકાનો કેસ નોંધ્યો હતો.

કોલ સેન્ટરના દરોડામાં મોટો વહીવટ થયો હોવાની વાત બહાર ન જાય અને Dy.S.P. ને કાર્યવાહી થઈ હોવાનો સંતોષ મળે તે માટે પીઆઈએ પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મચારીઓની રાતોરાત સર્વલન્સ સ્ટાફમાંથી બદલી કરી નાખી હતી. જો કે, આશ્ચર્યની વાત એ છે કે મામલો થોડો શાંત પડતાં જ આ વિવાદાસ્પદ સ્ટાફને ફરીથી સર્વલન્સ સ્ક્વોડમાં (ડી-સ્ટાફ) લઈ લેવામાં આવ્યો છે, જેને પગલે ફરીથી મોટો વિવાદ છેડાયો છે.

બારેજામાં પોલીસની મોટી રમત? રેડ કરી કોલ સેન્ટરમાં, ગુનો નોંધ્યો વરલી મટકાનો! ઉપરી અધિકારીને જાણ થતા 'પોલ' ખૂલી 2 - image

આ પણ વાંચો: ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત

અસલાલી પોલીસ સ્ટેશનના PIનો ગોળગોળ જવાબ

આ સમગ્ર વિવાદ અંગે જ્યારે અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એસ. ચૌધરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે લૂલો બચાવ કરતા ગોળગોળ જવાબો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘કોલ સેન્ટર પર કોઈ રેડ પાડવામાં આવી નહોતી અને કોઈએ એક પણ રૂપિયો લીધો નથી. અમે જે ગુનો દાખલ કર્યો છે તે જાણીતા જુગારીઓ સામે જ કર્યો છે. ડી-સ્ટાફના પોલીસકર્મીઓની કોઈ બદલી કરવામાં આવી નથી, પરંતુ તેમની અન્ય કોઈ નાની ભૂલ હોવાથી પર્સનલ મામલા હેઠળ થોડા સમય માટે સાઈડલાઈન કરી જગ્યા ચેન્જ કરાઈ હતી.’ તેમણે Dy.S.P.ના રોલકોલને પણ રૂટીન પ્રક્રિયા ગણાવી હતી.

પીઆઈ ભલે આ મામલે પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ પોલીસ સ્ટેશનની અંદર અને બહાર ચાલતી ચર્ચાઓ જોતાં આ મામલે અસલાલી પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ અને વહીવટદારો સામે ટૂંક સમયમાં જ ઉચ્ચ સ્તરેથી કડક કાયદાકીય કે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.



Source link

Related Articles

Back to top button