વાવ-થરાદ: અંડરગ્રાઉન્ડ કેનાલ ખુલ્લી કરવાના નિર્ણય સામે ભારે રોષ, ઇઢાટા-જમડાના ખેડૂતોની આંદોલનની ચિમકી | Farmers Protest over Canal Dispute in vav tharad

![]()
Vav-Tharad Canal Dispute: વાવ-થરાદ તાલુકાના ઇઢાટા-જમડા વિસ્તારમાં ડિસ્ટ્રી કેનાલને અંડરગ્રાઉન્ડમાંથી ખુલ્લી કરવાની વહીવટી તંત્રની પ્રક્રિયા સામે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ મુદ્દે ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી આ ડિસ્ટ્રી કેનાલ હાલમાં જમીન નીચે હોવાથી તેઓ સરળતાથી પોતાના ખેતરના એક ભાગમાંથી બીજા ભાગમાં અવરજવર કરી શકે છે. પરંતુ જો કેનાલને ખુલ્લી કરવામાં આવશે તો અનેક ખેતરો બે ભાગમાં વહેંચાઈ જશે, જેના કારણે ખેતી કામકાજમાં ભારે મુશ્કેલીઓ ઊભી થશે.
ટ્રેક્ટર, કૃષિ યંત્રો તેમજ પાકની હેરફેરમાં અવરોધ
ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, અનેક સર્વે નંબર ધરાવતા જમીનધારકો આ નિર્ણયથી સીધા પ્રભાવિત થશે. ટ્રેક્ટર, કૃષિ યંત્રો તેમજ પાકની હેરફેરમાં અવરોધ ઊભા થશે અને ભવિષ્યમાં જમીન તથા રસ્તાને લઈને ખેડૂતો વચ્ચે વિવાદો સર્જાવાની શક્યતા પણ વધી શકે છે.
આ પણ વાંચો: ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર
અરજીમાં ખેડૂતોએ તંત્રને વિનંતી કરી છે કે, જો કેનાલને ખુલ્લી કરવાની હોય તો તેની બંને બાજુ યોગ્ય રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેતીના કામમાં કોઈ અડચણ ન આવે અને ખેડૂતો વચ્ચે વિવાદો ટાળી શકાય. હાલ ખેડૂતોની આ રજૂઆત બાદ વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું છે. પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો પેટ્રોલ-ડીઝલ છાંટી આત્માહત્યા કરવાની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે.



