ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પબ્લિસિટી સ્ટંટ? | AMC Starts 35 Shelter Homes Amid Ahmedabad Heatwave Citizens Ask ‘Where Are They ’

Ahmedabad Shelter Home: અમદાવાદ શહેરમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રસ્તા પર રહેતા ઘરવિહોણા અને નિરાશ્રિત લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને પોતાની વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો છે. જો કે, કોર્પોરેશનના આ ‘પબ્લિસિટી સ્ટંટ’ પાછળ ગ્રાઉન્ડ રિયાલિટી અને જરૂરી વિગતોનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.
80 ટકા ઓક્યુપેન્સીનો દાવો, પણ સરનામાં ક્યાં?
AMCના દાવા મુજબ શહેરમાં 35 શેલ્ટર હોમ્સ કાર્યરત છે, જેમાં 4315 લોકોની ક્ષમતા છે અને હાલ 80 ટકા જેટલી ઓક્યુપેન્સી નોંધાઈ હોવાનો દાવો કરાયો છે. તંત્ર એવું પણ કહી રહ્યું છે કે તેઓ આશ્રિતોને ORS આપીને હાઈડ્રેટ રાખે છે અને મેડિકલ કેમ્પ યોજે છે.

પરંતુ સવાલ એ ઊભો થાય છે કે, જો કોઈ ગરીબ કે નિરાશ્રિત વ્યક્તિ કાળઝાળ ગરમીથી બચવા શેલ્ટર હોમનો આશરો લેવા માંગતી હોય, તો તેણે જવું ક્યાં? આ સરકારી યાદીમાં આંકડાઓની માયાજાળ તો ગોઠવવામાં આવી છે, પરંતુ અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં આ શેલ્ટર હોમ આવેલા છે તેની કોઈ જ વિગત આપવામાં આવી નથી.
વાસણા સિવાય બાકીના 34 શેલ્ટર હોમ કયા વિસ્તારમાં?
AMCએ પશ્ચિમ ઝોનના માત્ર એક ‘વાસણા આશ્રયગૃહ’નો ઉલ્લેખ કરીને ત્યાં 11 લોકોને રોજગારી આપ્યાની અને નાઈટ ડ્રાઈવ કરીને 53 લોકોને શિફ્ટ કર્યાની પીઠ થાબડવામાં આવી છે. પરંતુ બાકીના 34 શેલ્ટર હોમ શહેરના કયા ખૂણે આવેલા છે, તેની કોઈ યાદી કે સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યો નથી. માહિતીના આ અભાવને કારણે ગરમીમાં રીબાતા લોકો નજીકના કયા આશ્રયગૃહમાં જઈ શકે, તે જાણી શકતા નથી.
પબ્લિસિટી સ્ટંટ કે સાચી સેવાનો ઉદ્દેશ્ય?
એક તરફ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ શેલ્ટર હોમ્સની મુલાકાતો લઈને અંગત દેખરેખ રાખતા હોવાના ફોટા પાડીને વાહવાહી મેળવી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચનારી આ માહિતીમાં જ જો લોકેશન ગાયબ હોય, તો આ કામગીરી માત્ર કાગળ પર કે અધિકારીઓની વાહવાહી પૂરતી જ સીમિત હોય તેવું દેખાઈ રહ્યું છે.
જો તંત્ર ખરેખર નિરાશ્રિતો પ્રત્યે સંવેદનશીલ હોય, તો તેમણે 35એ 35 શેલ્ટર હોમના એડ્રેસ અને વિસ્તાર વાઈઝ વિગતો જાહેર કરવી જોઈએ, જેથી જરૂરિયાતમંદ લોકો તેનો સાચો લાભ લઈ શકે. નહીં તો આ માત્ર વધુ એક સરકારી આંકડાબાજીનો ખેલ સાબિત થશે.



