અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char Rasta Hybrid marijuana in luxury Mercedes 1 youth arrested

Ahmedabad News: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વિજય ચાર રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાન્ચની SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે બાતમીના આધારે 26 વર્ષના યુવકની ધરપકડ કરી છે. નારણપુરા વિસ્તારમાં રહેતા હાર્દિક કલાલ નામના યુવકને પોલીસે શંકાસ્પદ હાલતમાં અટકાવી તેની તપાસ કરતાં અંદાજે 1 કિલો 975 ગ્રામ વજનનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 69.12 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાં હાઇબ્રિડ ગાંજાની હેરફેર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હાર્દિક કલાલ આટલો મોટો જથ્થો લઈને લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાં ફરી રહ્યો હતો. પોલીસે ડ્રગ્સની સાથે આ 10 લાખની કિંમતની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી છે, આમ કુલ 79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજસ્થાનથી લીધો હતો ગાંજો
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને આ ગાંજાનો જથ્થો રાજસ્થાનના પ્રદીપ કલાલ નામના શખસે સપ્લાય કર્યો હતો. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ અમદાવાદમાં ક્યાં અને કોને પહોંચાડવાનું હતું, તે દિશામાં SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે ડીસીબી (DCB) પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આરોપીની ઓળખ હાર્દિક અશોકકુમાર કલાલ તરીકે કરી છે, જે હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સ્વાસ્તિક રેસિડેન્સીમાં રહે છે. તે મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો વતની છે. રાજસ્થાનથી ડ્રગ્સનું નેટવર્ક કઈ રીતે અમદાવાદ સુધી સક્રિય છે, તે જાણવા માટે પોલીસે પ્રદીપ કલાલની શોધખોળ શરૂ કરી છે. હાલ આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી આ ડ્રગ્સ રેકેટના અન્ય સૂત્રધારોના નામ પણ ખૂલી શકે.

