વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિલધડક રેસ્ક્યુ | vadodara nagarwada vishwamitri bridge construction site 8 foot crocodile rescued

![]()
Vadodara News: વડોદરાના નાગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નીચે ચાલતા કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન આજે સવારે એક મોટો ગભરાટ ફેલાયો હતો. સાઇટ પર ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં અચાનક 8 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતાં કામ કરી રહેલા મજૂરો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફોરેસ્ટ વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું છે.
બ્રિજ નીચે કામ ચાલતું હતું
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી સેંકડો મગરોનું કુદરતી ઘર છે, જેથી નદી કિનારાના વિસ્તારોમાં મગરો બહાર આવી જવાના બનાવો વારંવાર બનતા રહે છે. નાગરવાડા વિશ્વામિત્રી બ્રિજ નીચે હાલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આજે સવારે મજૂરો જ્યારે કામ પર હતા, ત્યારે કન્સ્ટ્રક્શન માટે ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં આશરે 8 ફૂટ લાંબો એક વિશાળકાય મગર નજરે પડ્યો હતો. આટલા મોટા મગરને એકદમ નજીક જોઈને કામદારો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક કામ અટકાવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ
ખાડામાં મગરના ધમપછાડા અને ભારે મુશ્કેલીથી રેસ્ક્યુ
બનાવની જાણ સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઇમરજન્સી સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. મગર કન્સ્ટ્રક્શનના ખાડામાં ફસાઈ ગયો હોવાથી ભારે આક્રમક મૂડમાં હતો. ટીમ તેને પકડવાનો પ્રયાસ કરતી ત્યારે તે ખાડામાં જોરદાર ધમપછાડા કરતો હતો, જેના કારણે વન વિભાગના કર્મચારીઓને તેને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી.
મહામહેનતે રેસક્યું
આખરે, ફોરેસ્ટ વિભાગની ટીમે પોતાની કુશળતાનો ઉપયોગ કરી દોરડા અને ખાસ જાળની મદદથી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સુરક્ષિત બહાર કઢાયેલા આ મગરને ફરીથી તેના કુદરતી આવાસ એટલે કે નદીના ઊંડા પાણીમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

