गुजरात

કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | Amreli Farmer Stuns All by Growing 14 Mango Varieties on One Mango Tree



14 Mango Varieties on One Mango Tree In Amreli: સામાન્ય રીતે કેરીના શોખીનો ઉનાળાની ઋતુમાં કેસર, હાફુસ, લંગડો કે દશેરી જેવી ગણતરીની કેરીઓનો સ્વાદ માણતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ પ્રકારની કેરીઓ પાકી શકે? આ કોઈ કલ્પના નથી પણ હકીકત છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી એક જ આંબા પર 14 પ્રકારની જુદી-જુદી કેરીઓ પકવીને આશ્ચર્ય સર્જ્યું છે.

ઘર આંગણે 14 પ્રકારની કેરીઓ આંબો

દિતલા ગામના વતની અને 20 વીઘાની ખેતી ધરાવતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટી આખા અમરેલી જિલ્લામાં પોતાના કૃષિ પ્રયોગો માટે જાણીતા છે. તેમણે પોતાની વાડીમાં આંબાનો મોટો બગીચો તો બનાવ્યો જ છે, પરંતુ વિશેષ પ્રયોગ રૂપે પોતાના ઘર આંગણે ઉગેલા એક સાદા દેશી આંબાના વૃક્ષ પર અલગ-અલગ કલમો ચડાવીને (ખૂટા કલમ પદ્ધતિથી) આ અસાધારણ સિદ્ધિ મેળવી છે. વૈશાખ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે આ વિશિષ્ટ આંબા પર લાગેલી કેરીઓ હવે પાકવા પર છે.

નામ પણ ન સાંભળ્યા હોય તેવી દુર્લભ જાતો આંબા પર લટકી રહી છે

ઉકાભાઈએ આ આંબા પર જે 14 પ્રકારની કેરીઓ વિકસાવી છે, તેમાંની ઘણી જાતોના નામ પણ નવી પેઢીએ ક્યારેય સાંભળ્યા નહીં હોય. મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન તેમને આવો અનોખો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે દેશી આંબાના વૃક્ષ પર કલમો લગાવીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નાળિયેરો, ગુલાબિયો, દાડમો, સિંદુરિય, કાળો જમાદાર, વરિયાળિયો, સરદાર, પાયલોટ અને આષાઢિયો જેવી અદભુત્ અને વૈવિધ્યસભર જાતો તૈયાર કરી છે.

આ પણ વાંચો: સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લીધી મુલાકાત

લુપ્ત થતો વારસો બચાવવાનો ભગીરથ પ્રયાસ

ઇતિહાસની વાત કરીએ તો જૂનાગઢના નવાબના શાસનકાળ દરમિયાન ગીર પંથકમાં આશરે 200 જેટલી અલગ-અલગ પ્રકારની કેરીઓની જાતો જોવા મળતી હતી. સમય જતાં માત્ર કેસર કેરીનું ચલણ વધ્યું અને બાકીની સ્વાદિષ્ટ તથા ગુણકારી જાતો ધીમે-ધીમે લુપ્ત થઈ ગઈ. નવી પેઢી આ જૂની અને પરંપરાગત કેરીઓના સ્વાદ અને નામથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ્ય સાથે ઉકાભાઈ ભટ્ટીએ અલગ-અલગ વિસ્તારોમાં ફરીને આવી લુપ્ત થતી જાતોના આંબા શોધ્યા અને પોતાના આંબા પર તેની કલમો ચડાવી આ વારસાને જીવંત રાખ્યો છે.

અન્ય જિલ્લાના ખેડૂતો અને સંશોધકો માટે પ્રેરણાતીર્થ

એક જ વૃક્ષ પર અલગ-અલગ આકાર, રંગ અને સ્વાદ ધરાવતી 14 પ્રકારની કેરીઓ ઉગાડવાના આ અદભુત્ સફળ પ્રયોગને જોવા અને તેમાંથી પ્રેરણા લેવા માટે અન્ય તાલુકાઓ તથા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિતલા ગામે આવી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો પણ ઉકાભાઈની આ બાગાયતી કમાલ પર ગર્વ અનુભવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને કલમ પદ્ધતિના સમન્વયથી ઉકાભાઈ ભટ્ટીએ સાબિત કરી બતાવ્યું છે કે જો સંકલ્પ અને મહેનત હોય તો ખેતીમાં અશક્ય લાગતી સિદ્ધિઓ પણ હાંસલ કરી શકાય છે.



Source link

Related Articles

Back to top button