ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Crisis Govt Takes 5 Big Lockdown Like Steps to Cut Fuel Consumption Save Forex

![]()
PM Modi fuel saving appeal: મિડલ-ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુજ દરિયાઈ માર્ગ પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. આ મોંઘા ઓઇલના લીધે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે 10 મેના રોજ પીએમ મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવાની અપીલ કરી હતી, જેના કારણે લોકોમાં કોરોના કાળ અને લોકડાઉનનો ડર ફરી જાગ્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં લોકડાઉન લગાવવાની કોઈ જ શક્યતા નથી અને ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દેશના વિદેશી મુદ્રા ભંડાર(Forex Reserves)ને બચાવવાનો અને ઓઇલનો વપરાશ નિયંત્રિત કરવાનો છે. આ આર્થિક અને ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશમાં હાલ 5 એવા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે જે લોકડાઉનની યાદ અપાવે છે.
1. બૅંકો અને સરકારી વિભાગોમાં ઓનલાઇન મીટિંગ
નાણાં મંત્રાલયના ‘નાણાકીય સેવા વિભાગ’ (DFS) દ્વારા તમામ સરકારી બૅંકો, પ્રાદેશિક ગ્રામીણ બૅંકો અને જાહેર વીમા કંપનીઓને એક મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, હવે તમામ બેઠકો ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સિંગ (ઓનલાઇન) દ્વારા જ કરવાની રહેશે. જ્યાં સુધી અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી રૂબરૂ બેઠકો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી અધિકારીઓની મુસાફરી અને તેના પર થતો ઇંધણનો ખર્ચ બચાવી શકાય.
2. ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) પર સરકારનો ભાર
રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલના દૈનિક વપરાશને મર્યાદિત કરવા માટે સરકાર ફરી એકવાર લોકડાઉન સમયના સૌથી મોટા હથિયાર ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત દિલ્હી સરકારે પોતાના કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે દિવસનું ‘વર્ક ફ્રોમ હોમ’ ફરજિયાત કરી દીધું છે. આ સાથે જ ખાનગી કંપનીઓને પણ સ્વેચ્છાએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે અપીલ કરવામાં આવી છે.
3. બિનજરૂરી સોનું ખરીદવા અને વિદેશ પ્રવાસો પર રોક
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેના લીધે દેશનો કિંમતી વિદેશી મુદ્રા ભંડાર બહાર ચાલ્યો જાય છે. આ ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) અને નબળા પડતા રૂપિયાને બચાવવા માટે પીએમ મોદીએ દેશના લોકોને એક વર્ષ સુધી લગ્નો કે ખાસ પ્રસંગોમાં પણ સોનું ન ખરીદવા અપીલ કરી છે. આ ઉપરાંત, વિદેશ પ્રવાસો પર પણ આવી જ અપીલ કરાઈ છે, કારણ કે ભારતીયો જ્યારે બહાર ફરવા જાય ત્યારે રૂપિયાને ડૉલરમાં બદલવો પડે છે. સરકાર ઇચ્છે છે કે દેશનો એક-એક ડૉલર બચે અને તેનો ઉપયોગ માત્ર ક્રૂડ ઓઇલ જેવી અનિવાર્ય ચીજોની આયાત માટે થાય.
4. સરકારી કાફલામાં ગાડીઓની સંખ્યામાં કાપ અને નવી ખરીદી પર રોક
અધિકારીઓના દેશ-વિદેશના પ્રવાસો મર્યાદિત કરી દેવાયા છે અને બૅંકના ચેરમેન તેમજ એમડી(MD)ના વિદેશ પ્રવાસોની સીમા નક્કી કરાઈ છે. મંત્રીઓના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, જેની ખાસ અસર ભાજપ શાસિત રાજ્યોમાં જોવા મળી રહી છે. આ સિવાય દિલ્હી જેવા રાજ્યોએ આગામી 6 મહિના માટે કોઈ પણ નવા પેટ્રોલ, ડીઝલ કે સીએનજી (CNG) વાહનોની ખરીદી પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે અને સરકારી વિભાગોને ઝડપથી ઈલેક્ટ્રિક વાહનો (EVs) તરફ શિફ્ટ થવા આદેશ આપ્યો છે.
5. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ‘નો-વ્હીકલ ડે’ પર જોર
લોકડાઉનની જેમ જ સરકારી સ્તરે યોજાતાં મોટા જાહેર કાર્યક્રમો અને ઉત્સવોને આગામી ત્રણ મહિના માટે રદ્દ અથવા સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે જ આમ જનતાને પણ પોતાના અંગત વાહનોના બદલે મેટ્રો અને બસો જેવા જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ)નો ઉપયોગ કરવા, કારપૂલિંગ અપનાવવા અને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ ‘નો-વ્હીકલ ડે’ (વાહન વગરનો દિવસ) રાખવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.



