ઈરાન સામે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે માત્ર 90 દિવસમાં 3,700 ટ્રેડ કર્યા | Trump made 3700 trades in just 90 days amid war with Iran

![]()
– અમેરિકામાં ચર્ચા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ કે સટ્ટાખોર!
– ટ્રમ્પે રોજ સરેરાશ 40થી વધુ સોદા કર્યા : એક જ દિવસમાં મેટા, માઈક્રોસોફ્ટ, અમેઝોનમાં 2.5 કરોડ ડોલર સુધીનું વેચાણ કર્યું
– ટ્રમ્પના સોદામાં સરકારના નિર્ણયોથી અસર પામતી હોય તેવી કંપનીઓમાં ધરખમ સોદા પાડયા
– ટ્રમ્પનું કોઈપણ ફંડહાઉસને શરમાવે તેવું કારનામું
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ફરીથી ફસાયા છે, અહીં ઇરાન યુદ્ધની વાત નથી, પરંતુ તે બીજી તપાસમાં ફસાયા છે. આમ ટ્રમ્પ ઇરાન યુદ્ધમાં તો ફસાયા જ છે, પરંતુ હવે તેમણે અને તેમના સહયોગીઓએ શેરબજારમાં કરેલા ટ્રેડિંગને લઈને તપાસના સાણસામાં આવ્યા છે. ટ્રમ્પ અને તેના સહયોગીોએ ૨૦૨૬ના પહેલા ત્રણ મહિનામાં ૩,૭૦૦થી વધુ ટ્રેડ કર્યા છે, આટલું ટ્રેડિંગ સામાન્ય રીતે એક ફંડહાઉસ કરતું હોય છે.
ટ્રમ્પના ટ્રેડિંગનું વોલ્યુ ૨૨ કરોડથી લઈને ૭૫ કરોડ ડોલર સુધી બેસે છે. કોઈપણ અમેરિકન પ્રમુખે હોદ્દા પર રહેવા દરમિયાન શેરબજારમાં આટલા બધા ટ્રેડ કર્યા નથી. આ તો જાણે એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ જાણે અમેરિકન પ્રમુખ ઓછા, પરંતુ સટોડિયા વધારે છે.
બ્લૂમબર્ગે આપેલી જાણકારી મુજબ આ વર્ષના પ્રારંભિક ત્રણ મહિનામાં અમેરિકાની જ કેટલીક મોટી આઇટી, ટેક કંપનીઓ, ફાઇનાન્સ, એરોસ્પેસ અને મીડિયા કંપનીઓમાં કરોડો ડોલરની વ્યાપારિક લેવડદેવડ થઈ છે. તેમા એમ પણ કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી માર્ચમાં થયેલા સોદામાં પ્રતિ દિન ૪૦થી વધુ સોદા કરવામાં આવ્યા છે. આમ ટ્રમ્પની ટ્રેડિંગની પ્રવૃત્તિ ચોંકાવનારી છે.
અહેવાલમાં કરવામા આવેલા ખુલાસા દરમિયાન ટ્રમ્પ કે તેમના સલાહકારોએ જાન્યુઆરીથી માર્ચમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં ૩,૭૦૦થી વધુ ટ્રેડ કર્યા. આ છેલ્લા ત્રણ મહિનાની સરખામણીએ નોંધપાત્ર નાટકીય ઉછાળો હતો. તેના પહેલા ડિસેમ્બર ૨૦૨૫ના અંતિમ ક્વાર્ટરમાં તેઓએ ફક્ત ૩૮૦ સોદા જ કર્યા હતા.
બજારના ઘણા નિષ્ણાત માટે વર્ષના પ્રારંભથી ત્રણ મહિનામાં થયેલા ટ્રેડ જબરદસ્ત છે. ટટલ કેપિટલ મેનેજમેન્ટના સીઇઓ મેથ્યુ ટટલે જણાવ્યું હતું કે આ લેવડદેવડ એક અવિશ્વસનીય સંખ્યા બતાવે છે. આ એક હેજ ફંડની જેમ છે, જેમાં મોટાપાયા પર અલ્ગોરિધમ ટ્રેડિંગ થાય છે.
અહેવાલ મુજબ ટ્રમ્પના મુખ્ય સોદાઓમાં એનવિડીયા, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, બોઇંગ અને કોસ્ટકો સહિત અન્ય કંપનીઓના કમસેકમ દસ લાખ ડોલરના શેર ખરીદ્યા હતા. દસ્તાવેજમાં સામેલ અન્ય કંપનીઓમાં એમેઝોન, ટાટા, ઉબર, ઇબે, એબોટ લેબોરેટરીઝ, એટીએન્ડ ટી અને ડોલર ટ્રી જેવા શેરો સાથે સંકળાયેલી લેવડદેવડ સામેલ હતી.
તેમા સૌથી વધુ મહત્ત્વની જાહેર લેવડદેવડ ૧૦મી ફેબુ્રઆરીના રોજ થઈ હતી, જેમા ટ્રમ્પે માઇક્રોસોફ્ટ, મેટા અને એમેઝોનમાં ૫૦ લાખ અમેરિકન ડોલરથી લઈને ૨.૫ કરોડ ડોલરના હિસ્સાનું વેચાણ કર્યુ હતું.
આના કારણે ટ્રમ્પના ટીકાખોરોની તે વાતને પણ સમર્થન મળ્યું છે કે જે કંપનીઓના શેરમાં ટ્રેડ થયું છે તે કંપનીઓની ઘણી તે સેક્ટરમાં કામ કરે છે જે સીધી અમેરિકન સરકારની નીતિઓ, નિયમો અને ભૂરાજકીય નિર્ણયોથી અસર પામે છે.
એનવિડીયાએ ચીનને એઆઈ ચિપ્સ પૂરી પાડવા મંજૂરી લેવી પડે છે. બીજી બાજુએ બોઇંગ સરકારી કોન્ટ્રાક્ટ પર આધારિત છે. માઇક્રોસોફ્ટ, એમેઝોન અને મેટા જેવી કંપનીઓ સતત એન્ટી ટ્રસ્ટ તપાસ અને એઆઈ સાથે સંકળાયેલા નીતિનિયમોથી અસર પામતી રહે છે.

