ભારત માટે તાઈવાન હોર્મુઝ કરતા પણ મોટું સંકટ બની શકે છે, સમજો નિષ્ણાતોની શંકા પાછળનું કારણ | Taiwan Crisis vs Strait of Hormuz Why China s Next Move Threatens India s Economy

![]()
Taiwan crisis India economy: અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે ઐતિહાસિક શાંતિ સમજૂતી (US-Iran Peace Deal) ફાઇનલ થઈ ગઈ છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલું હોર્મુઝ સંકટ સમાપ્ત થયું છે. દુનિયાની 20% ઓઇલ અને ગેસની જરૂરિયાતો પૂરી કરતો આ મુખ્ય સમુદ્રી માર્ગ ફરી ખુલી ગયો છે અને ઈરાની ઓઇલના જહાજોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. આ શાંતિ કરાર પર શુક્રવારે 19 જૂનના રોજ સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે. વૈશ્વિક બજારમાં ઈતિહાસના સૌથી મોટા સપ્લાય સંકટ તરીકે ઓળખાતા હોર્મુઝ વિવાદના ઉકેલથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ભારત માટે મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી.
ભારતના પૂર્વ વિદેશ સચિવ અને વર્ષ 2016થી 2017 દરમિયાન ચીનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા વિજય ગોખલેએ એક મોટી અને ચિંતાજનક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે ભલે હોર્મુઝનો રસ્તો ખુલી ગયો હોય, પરંતુ તેનાથી પણ મોટું આર્થિક સંકટ ભારતની સામે આવીને ઊભું છે, જે તાઇવાન સાથે જોડાયેલું છે. ભલે તાઇવાન ભારતથી 5000 કિલોમીટર દૂર છે, પરંતુ ત્યાં સર્જાનારી સ્થિતિ ભારતની ચિંતા વધારી શકે છે.
હોર્મુઝ સંકટે ભારત અને અમેરિકાને કેવી રીતે ડરાવ્યા?
નિષ્ણાતો માનતા હતા કે ઈરાન ક્યારેય પોતાની લાઈફલાઈન ગણાતા હોર્મુઝના રસ્તાને બંધ નહીં કરે. પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધ્યા બાદ જ્યારે ટોચના ઈરાની નેતાઓ પર હુમલા થયા, ત્યારે અચાનક આ આખો રૂટ બંધ કરી દેવાયો હતો. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ તેને ઈતિહાસનું સૌથી મોટું ઓઇલ સંકટ ગણાવ્યું હતું.
આનાથી ભારત ભારે મુશ્કેલીમાં મુકાયું હતું, કારણ કે ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતનો 55% અને સીએનજી (CNG)નો 90% હિસ્સો આ જ રસ્તેથી આવતો હતો. ક્રૂડ ઓઇલના ભાવ 100-110 ડૉલર પ્રતિ બેરલને પાર થઈ જતાં દેશમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટ્યો હતો. માત્ર ભારત કે એશિયા જ નહીં, મોંઘા ઓઇલથી અમેરિકા અને યુરોપ પણ પરેશાન હતા, જેના કારણે અમેરિકાએ ઈરાન સાથેની શાંતિ મંત્રણાને પ્રાથમિકતા આપવી પડી.
‘હોર્મુઝ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થશે તાઇવાન સંકટ’
પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ પોતાની નવી પુસ્તક ‘ચાઇનાઝ વોર’ અંગે વાત કરતા ચેતવણી આપી છે કે, જો આપણે એમ વિચારતા હોઈએ કે તાઇવાન ઘણું દૂર છે અને તેની આપણને કોઈ અસર નહીં થાય, તો એ આપણી મોટી ભૂલ છે. જો ચીન તાઇવાન પર આર્થિક નાકાબંદી, મિસાઇલ અને સાયબર અટેક જેવા હથકંડા અપનાવશે, તો મલાક્કા સ્ટ્રેટ (Malacca Strait)નો દરિયાઈ વેપાર તુરંત જ ઠપ થઈ જશે. મલાક્કા સ્ટ્રેટ એ મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે આવેલો અત્યંત સાંકડો અને દુનિયાનો સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગ છે, જ્યાંથી દર વર્ષે 80,000થી વધુ જહાજો પસાર થાય છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોના ઇંધણની આયાત આ જ રસ્તા પર નિર્ભર છે.
ભારતનો 40% વેપાર ઠપ થશે, અર્થતંત્ર પર સીધો પ્રહાર
જો તાઇવાન સંકટને કારણે મલક્કા સ્ટ્રેટ બંધ થાય, તો ભારતનો 40% વેપાર સંપૂર્ણપણે અટકી જશે. ગ્લોબલ સપ્લાય ચેનનો 30% હિસ્સો ચીનથી શરૂ થાય છે, જેથી ભારતના નિકાસકારો અને આયાતકારો બંને બરબાદ થઈ જશે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દુનિયાના 90% સેમિકન્ડક્ટર (ચિપ્સ) તાઇવાન, જાપાન, કોરિયા અને ચીનથી આવે છે. ચિપ્સ ન મળવાને કારણે ભારતનું અર્થતંત્રણ પણ ખોરવાઈ જશે.
પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ ચેતવણી આપતા સરળ શબ્દોમાં સમજાવ્યું કે, ‘આ સંકટને કારણે દેશમાં તમારો ઇ-કોમર્સ, ઇ-લોજિસ્ટિક્સ, એન્ટરટેઇનમેન્ટ અને એજ્યુકેશન ઉદ્યોગ બધું જ ઠપ થઈ જશે. દેશમાં બેરોજગારી અને અસ્થિરતા એટલી વધી જશે કે તમે ઓનલાઇન પિત્ઝા પણ ઓર્ડર નહીં કરી શકો અને નવી કાર પણ ખરીદી નહીં શકો.’
ભારતના IT સેક્ટરને બરબાદ કરી શકે છે ચીન
વિજય ગોખલેના મતે, તાઇવાન સંકટ ભારતની સૌથી મોટી તાકાત ગણાતા આઇટી ઉદ્યોગને બરબાદ કરી શકે છે. ભારતથી અમેરિકાની સિલિકોન વેલી સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડતી 15 અંડર-સી કેબલ તાઇવાનના સમુદ્ર સાથે જોડાયેલી છે. છેલ્લા બે વર્ષમાં ચીન આમાંથી ત્રણ મહત્ત્વની કેબલ કાપી ચૂક્યું છે.
આ પણ વાંચો: અમેરિકાએ ફરી ભારતનું ટેન્શન વધાર્યું, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ
ચીન લાંબા સમયથી તાઇવાનને પોતાનો હિસ્સો માને છે અને સૈન્ય બળથી પણ તેનું જોડાણ કરવાની ફિરાકમાં છે. સીએઆઇના પૂર્વ ડિરેક્ટર વિલિયમ બર્ન્સે પણ દાવો કર્યો હતો કે ચીનના પ્રમુખ શી જિનપિંગે પોતાની સેનાને 2027 સુધીમાં તાઇવાન પર સફળ આક્રમણ કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. તેથી, હોર્મુઝ સંકટ ભલે ઉકેલાઈ ગયું હોય, પરંતુ આગામી સમયમાં તાઇવાન અને મલાક્કા સ્ટ્રેટનો વિવાદ ભારતની ઊર્જા સુરક્ષા અને ડિજિટલ અર્થતંત્ર માટે ગંભીર પડકાર બનીને આવી રહ્યો છે.



