दुनिया

હોર્મુઝ અંગે ચોંકાવનારા સમાચાર, ઈરાનને ઝટકો આપવા ટ્રમ્પ લાવશે ‘VIP પાસ’! ફરી ટેન્શન વધ્યું | US Mulls VIP Pass Fee for Strait of Hormuz Trump Navy to Protect Ships




US VIP Pass Plan: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે હવે ટ્રમ્પ વહીવટીતંત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર ફરી સામાન્ય કરવા માટે એક અનોખી યોજના પર વિચાર કરી રહ્યું છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ સરકાર એક એવો પ્લાન બનાવી રહી છે જેના હેઠળ જહાજના માલિકો નિર્ધારિત ફી (ચાર્જ) ચૂકવીને અમેરિકન નૌસેનાની કડક સુરક્ષા હેઠળ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત અને ઝડપથી પસાર થઈ શકશે. આ યોજનાને અનૌપચારિક રીતે ‘VIP પાસ’ પ્લાન કહેવામાં આવી રહ્યો છે.

વીમા કંપનીઓનો ભરોસો જીતવાનો પડકાર અને ટ્રમ્પની પહેલ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સૂસી વાઈલ્સે અધિકારીઓને એવા ઉપાયો શોધવા કહ્યું છે જેનાથી જહાજ માલિકો ફરીથી આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવા તૈયાર થાય. હાલમાં સૌથી મોટો મુદ્દો વીમા કંપનીઓનો છે. યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં હોર્મુઝમાંથી પસાર થતા મોટાભાગના જહાજોની યાત્રાને વીમાના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે, જેના કારણે કંપનીઓ વીમો આપતી નથી. 

સરકાર હવે એવો રસ્તો શોધી રહી છે જેથી વીમા કંપનીઓ ફરીથી જહાજોને કવરેજ આપવા તૈયાર થાય. આ માટે અમેરિકા પોતાના ‘ડિફેન્સ પ્રોડક્શન એક્ટ’નો ઉપયોગ કરીને અમેરિકન વીમા કંપનીઓને કવરેજ આપવા માટે ફરજ પાડવા પર પણ વિચાર કરી રહ્યું છે.

ખાડીમાં હજુ પણ 500થી વધુ જહાજો ફસાયેલા

કોમોડિટી એનાલિસિસ કંપનીના જણાવ્યા અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચે કરાર પર હસ્તાક્ષર થઈ ગયા હોવા છતાં સ્થિતિ હજુ સંપૂર્ણ સામાન્ય નથી થઈ. હાલમાં પણ પર્શિયન ખાડીમાં હોર્મુઝની બહાર આશરે 500 જેટલા દરિયાઈ જહાજો ઊભા છે, જેમાં 220 જેટલા તો માત્ર ઓઇલ ટેન્કરો છે. 

જહાજ માલિકો હજુ પણ સાવચેતી રાખી રહ્યા છે કારણ કે તેમને આ શાંતિ પ્રક્રિયા લાંબી ચાલશે કે નહીં તેની આશંકા છે. જોકે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે દાવો કર્યો છે કે ટ્રમ્પના પ્રયાસોથી હોર્મુઝ ટૂંક સમયમાં સંપૂર્ણ ખુલી જશે અને વૈશ્વિક ઊર્જા સપ્લાય યુદ્ધ પહેલાના સ્તરે આવી જશે.

વૈશ્વિક ઓઇલ સપ્લાયનો મુખ્ય માર્ગ અને ટ્રમ્પનો ‘ટોલ ટેક્સ’ લોજિક

યુદ્ધ શરૂ થયું તે પહેલા દુનિયાનો અંદાજે 20% ઓઇલ સપ્લાય આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી જ થતો હતો. પરંતુ ઈરાને અમેરિકા અને ઈઝરાયલના હુમલાના જવાબમાં આ વિસ્તારમાંથી પસાર થતા જહાજો પર હુમલા શરૂ કર્યા, જેના કારણે આખો માર્ગ ઠપ થઈ ગયો હતો. તેની સીધી અસર વૈશ્વિક ઓઇલ માર્કેટ અને ઇંધણની કિંમતો પર પડી હતી. હાલ શાંતિ વાર્તાના કારણે ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને 75 ડૉલર પ્રતિ બેરલ સુધી આવી ગઈ છે, છતાં તે યુદ્ધ પહેલાના ભાવ કરતાં વધુ છે.

આ અગાઉ એપ્રિલ મહિનામાં ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનો હક અમેરિકાનો છે, ઈરાનનો નહીં. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે વિજેતા આપણે છીએ, તો ફી આપણે કેમ ન વસૂલીએ?’

યુરોપિયન દેશો પર દબાણ લાવવાની વ્યૂહરચના

સૂત્રોના જણાવ્યા મુજબ, આ ‘VIP પાસ’ યોજના પાછળ અમેરિકાની એક મોટી કૂટનીતિક વ્યૂહરચના પણ છુપાયેલી છે. પૂર્વ વહીવટી અધિકારીઓનું માનવું છે કે આ પ્રસ્તાવ દ્વારા અમેરિકા યુરોપિયન દેશોને ખાડી વિસ્તારની દરિયાઈ સુરક્ષામાં વધુ જવાબદારી અને આર્થિક હિસ્સેદારી લેવા માટે મજબૂર કરવા માંગે છે. અમેરિકા એવું બિલકુલ નથી ઈચ્છતું કે વૈશ્વિક સમુદ્રી સુરક્ષા અને તેનો તમામ આર્થિક બોજ માત્ર તેના એકલાના માથે જ રહે.



Source link

Related Articles

Back to top button