गुजरात

કેન્સરની સારવાર માટે ડ્રગ ડિલિવરી ટેકનોલોજી વિકસાવવા બદલ અમેરિકન પેટન્ટ | msu researchers gets american patent for cancer drug delievery system



વડોદરાઃ કેન્સરની સારવાર માટે નેનો કેરિયર ડ્રગ ડિલિવરી ટેકનોલોજી વિકસાવવા બદલ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોને ભારતીય બાદ અમેરિકન પેટન્ટ એનાયત થઈ છે.અમેરિકન પેટન્ટ મેળવનારા ભારતીય સંશોધકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે અને તેમાં પણ એમ.એસ.યુનિવર્સિટીમાં તો આવા સંશોધકો આંગળીના વેઢે ગણાય તેટલા છે.

મળતી વિગતો પ્રમાણે કેમેસ્ટ્રી વિભાગના અધ્યાપક ડો.અર્પિતા દેસાઈના હાથ નીચે તેમના પૂર્વ રિસર્ચ સ્ટુડન્ટ ડો.પ્રિયંકા માથુરે આ સંશોધન હાથ ધર્યું હતું.ડો.અર્પિતા દેસાઈનું કહેવું છે કે, કેન્સરની દવાઓના ડોઝ દર્દીના કેન્સરના સેલની સાથે સાથે સારા સેલને પણ ટાર્ગેટ કરે છે અને તેના કારણે દવાની આડઅસર વધી જાય છે.અમે હળદરમાંથી મળતા કરક્યુમિન નામના કમ્પાઉન્ડને મળતા આવતા અને ભારે લાંબુ નામ ધરાવતા કેમિકલ  કમ્પાઉન્ડ  બિસહાઈડ્રોક્સિબેન્ઝિલાઈડેન્સીક્લોહેક્સાનોન ….આધારિત નેનો કેરિયર ડ્રગ ડિલિવરી ટેકનોલોજી  વિકસાવી છે.જેનો પ્રયોગ અમે બજારમાં વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે ઉપલબ્ધ અડધો ડઝન કરતા વધારે દવાઓ સાથે કેન્સરગ્રસ્ત સેલ પર કર્યો છે.

તેમના જણાવ્યા પ્રમાણે આ ડિલિવરી ટેકનોલોજી થકી દર્દીના શરીરમાં દવા દાખલ કરવામાં આવે તે પછી તે એક સાથે રિલીઝ થવાની જગ્યાએ ધીરે ધીરે નિયંત્રિત મર્યાદામાં રિલીઝ થાય છે અને તેના કારણે વારંવાર દવાના ડોઝ લેવાની જરુર નથી પડતી.એટલે સ્વાભાવિક રીતે આડઅસર ઘટે છે.ઉપરાંત તેની અસર પણ વધારે થાય છે.કેટલાક કિસ્સામાં તો આ દવા ૧૬ દિવસ સુધી રિલિઝ થઈ હોવાનું જોવા મળ્યું હતું.



Source link

Related Articles

Back to top button