રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the Municipal Corporation demolished 10 temples in Rajkot at 1:30 am

![]()
– મનપા-સરકારમાં મોટામાથા માટે વ્યવસ્થા,નાના મંદિરો માટે વિનાશ!
– ચૂંટણી પૂરી થતા ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, શહેર પ્રમુખે મંદિરો બચાવવામાં રસ જ ન લીધો,અગાઉ રજૂઆત છતાં તોડાયા
– વિહિપે આંદોલનની ચિમકી આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
રાજકોટ: પશ્ચિમ રાજકોટમાં માયાણી ચોક પાસે, ઉદયનગરશેરી નં.૧૩,૧૬, ચંદ્રપાર્ક વગેરે મવડી અને આસપાસના વિસ્તારોમાં મનપાની વેસ્ટઝોન ટી.પી.શાખા દ્વારા મધ્યરાત્રિના દોઢ વાગ્યે મુખ્યત્વે હનુમાનજીના એવા ૧૦ મંદિરો-દેરીને તોડી પડાતા લોકોમાં ભારે રોષ સાથે ભાજપના શાસકોની બેધારી નીતિ સામે તીવ્ર નારાજગી પ્રસરી છે.
વિગત એવી છે કે શહેરમાં ૩૦૦૦થી વધુ અનધિકૃત બાંધકામોને નોટિસો અપાયા પછી પણ તેને દૂર કરાયા નથી. પરાબજાર, લાખાજીરાજ રોડ વિસ્તારમાં વેપારીઓએ રસ્તા પરના દબાણો દૂર કરવા આંદોલનો કરવા પડયા છે અને આજે પણ રસ્તા પર ભારે વાહનોના પાર્કિંગથી માંડીને રેંકડી-ફેરિયાઓના દબાણો જોવા મળે છે તે સ્થિતિમાં માત્ર ૧થી ૨ ચો.મી.મીટર રોડસાઈડ જગ્યામાં વર્ષોથી આવેલા નાના મંદિરો કે જે લોકો માટે આસ્થાના કેન્દ્ર હતા તેને મધ્યરાત્રિના તોડી પડાયા છે.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રો અનુસાર બુધવારે અમને આ અંગેની માહિતી મળતા અમે ગઈકાલે સાંજે આ અંગે રાજકોટના ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટરો, શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને જાણ કરતા મંદિર નહીં તુટે તેવી ખાત્રી અપાઈ હતી. પરંતુ, ચૂંટણી પૂરી થઈ અને જીતી ગયા પછી કોઈએ આ ડિમોલીશન રોકવા પ્રયાસો કર્યા ન્હોતા. ટી.પી.ઓ.ને પણ રજૂઆત કરાઈ હતી. પરંતુ, મંદિરો તોડી પાડવાની મનોવૃતિ જ હોય તેમ મધ્યરાત્રિના દોઢ વાગ્યે ૬૦ જેટલા પોલીસના કાફલા સાથે નાના મંદિરો પર બુલડોઝર ફેરવી દેવાયા છે. સરકારને આના પરિણામ ભોગવવા પડશે, હિન્દુ સમાજ સાંખી નહીં લે તેવી જાણ કરાઈ છે.
મધ્યરાત્રિના આ અંગે લોકોને જાણ થતા જ ભાવિકો મોટી સંખ્યામાં કેટલાક મંદિરો પાસે ઉમટી પડયા હતા અને રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ એવો રોષ ઠાલવ્યો કે મોટા બાંધકામોને ટકાવવા માટે સરકાર-મનપા પાસે રસ્તા છે પરંતુ, કોઈને નડતરરૂપ ન્હોતા તેવા ધર્મસ્થાનોને તોડી પાડવામાં જ રસ હોય તેમ જણાય છે.
– રસ્તા ઉપરના દબાણ હટાવ્યા, મૂર્તિ સલામત રાખી છે-ટીપીઓ
રાજકોટ: મધ્યરાત્રિના દસ નાના મંદિરો-દેરી તોડી પાડવા અંગે વેસ્ટઝોન ટી.પી.ઓ. ભાર્ગવ બરવાલિયાનો સંપર્ક સાધતા જણાવ્યું કે અનેક વિભાગો દ્વારા આ નિર્ણય લેવાયો હતો અને મધ્યરાત્રિના દોઢ વાગ્યાનો સમય નક્કી થયો હતો. માત્ર ટી.પી.રોડ ઉપર આવેલા અને ૧થી ૨ ચો.મી.માં ચણાયેલા ધાર્મિક બાંધકામો દૂર કરાયા છે.મૂર્તિઓને સલામત રીતે રાખી છે જે ભાવિકો લેવા આવશે તેમને પરત કરાશે.



