ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadodara News Gujsitok accused who set up liquor network arrested 15 day remand granted

![]()
Vadodara News: સંગઠીત ગેંગ બનાવી વડોદરા તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં વિદેશી દારૂનું મજબૂત નેટવર્ક ઉભું કરી વિદેશી દારૂનો કરોડોનો કારોબાર કરનારી લાલુ સિંધી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ લાલુના સાગરીત સુનીલ ઉર્ફે અદાની પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના 30 દિવસના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 વર્ષથી વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ખૂન, ખંડણી, આર્મ્સ એક્ટ, અને મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી જેવી 106 જેટલી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી લાલુ સિંધી અને તેના 12 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ ગેંગના સક્રિય સભ્ય અને 25 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા સુનીલ ઉર્ફે અદાની ગઈકાલે ધરપકડ કરી હતી.
આજે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા તપાસ અધિકારીએ આરોપીના 30 દિવસના રિમાન્ડની માંગણી કરતા સ્પેશિયલ સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી સેલવાસના ગઢવી નામના શખ્સ પાસેથી વોટ્સએપ કોલ દ્વારા લોકેશન મેળવી વિદેશી દારૂનો જથ્થો મંગાવતો હતો. આ દારૂનું વડોદરામાં કયા બુટલેગરોને વિતરણ કરવામાં આવ્યું અને આ નેટવર્ક પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવાની છે.
આરોપી સુનીલ ઉર્ફે અદો અત્યંત રીઢો ગુનેગાર છે, જે અગાઉ ભુજ, સુરત અને પોરબંદર જેલમાં 3 વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે. વર્ષ 2001 માં ફ્રૂટના વેપારથી શરૂઆત કરનાર અદો જોતજોતામાં દારૂના માફિયા તરીકે ઉભરી આવ્યો હતો. ગેંગના લીડર લાલુ સિંધી સાથે સીધો સંપર્ક ધરાવતો આ આરોપી ગુનાહિત આલમમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે.
આરોપીના આર્થિક સામ્રાજ્યની તપાસ કરવાની છે. છેલ્લા 10 વર્ષમાં સંગઠિત ગુનાખોરી દ્વારા મેળવેલા કાળા નાણાંમાંથી તેણે ક્યાં ક્યાં રોકાણ કર્યું છે તેની ઊંડી તપાસ કરવી જરૂરી છે. ધોરણ 4 સુધી ભણેલો હોવા છતાં આરોપીએ કરોડોની મિલકતો વસાવી હોવાની પોલીસને આશંકા જણાતી હોય તે દિશામાં તપાસ શરૂ કરી છે. ન્યાયાધીશે આરોપી સુનીલ ઉર્ફે અદાના તા. 29 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દારૂના વેપારમાંથી 5 વીઘામાં ભેંસોનો તબેલો અને આલીશાન મકાન બનાવ્યું
ગુજસીટોકના ગુનામાં પકડાયેલા સુનીલ ઉર્ફે અદાના આર્થિક વ્યવહારોની તપાસમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. રિમાન્ડ અરજીમાં થયેલી રજૂઆત પ્રમાણે આરોપીએ દારૂના કાળા કારોબારમાંથી મેળવેલા નાણાં દ્વારા નડિયાદ પાસે પીપલક ચોકડી, ડુમરાલ ગામ નજીક અંદાજે 5 વીઘા જમીનમાં વિશાળ તબેલો બનાવ્યો છે. આ તબેલામાં 70 થી 80 જેટલી ભેંસો રાખવામાં આવી છે અને તેની દેખરેખ માટે માસિક 25,000 રૂપિયાના પગારથી માણસ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, વડોદરાની વારસીયા ઇન્દ્રલોક સોસાયટીમાં અંદાજે 45 થી 50 લાખ રૂપિયાનું મકાન પોતાના અને પત્નીના નામે ખરીદ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ હવે આ માતબર રકમની મિલકતો કેવી રીતે ખરીદી તે દિશામાં ઘનિષ્ઠ તપાસ કરશે.


