સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી | Meteorological Department forecast in Gujarat heatwave alert and relief from heat after 48 hours

Heat forecast: ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોને લીધે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ખાસ કરીને આજે શુક્રવારે સૌરાષ્ટ્ર પંથકમાં કાળઝાળ ગરમી સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ધમધોખતા તાપને જોતાં હવામાન વિભાગ દ્વારા કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને ગરમીથી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
48 કલાક બાદ વાતાવરણમાં ફરી ફેરફાર થશે
બીજી તરફ, રાજ્યના મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જો કે, ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક બાદ વાતાવરણમાં ફરી ફેરફાર થશે અને તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. આ ફેરફારને કારણે બે દિવસ પછી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન નબળા પડ્યા
હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિકે પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ‘ગઈકાલે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતા તે હવે નબળા પડી ગયા છે અને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, પરંતુ તેની ગુજરાત કે સૌરાષ્ટ્ર-કચ્છ પર કોઈ ખાસ અસર થવાની નથી. જેથી આશા છે કે આગામી સાત દિવસ સુધી આખા ગુજરાતમાં હવામાન એકંદરે સૂકું રહેશે.’
તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે
‘જો કે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન વધ્યું હતું, જેમાં ભાવનગરમાં સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને કંડલા, ભાવનગર, મહુવા, દ્વારકા તેમજ વડોદરામાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ હવે, આગામી 48 કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગુજરાત રિજનમાંથી હીટવેવ દૂર થશે અને આવનાર સાત દિવસ સુધી ત્યાં હીટવેવની કોઈ જ શક્યતા નથી.’
આ પણ વાંચો: ગુજરાત માટે UAE સાથે ખાસ ડીલ, ઈરાનના હુમલા વખોડતાં PM મોદીએ કહ્યું- અમે મદદ માટે તૈયાર
માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ ચેતવણી નહીં
વધુમાં હવામાન વૈજ્ઞાનિકે કહ્યું કે, ‘આજે પહેલા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જેવા કે ભાવનગર, સોમનાથ, દ્વારકા અને કચ્છમાં હીટવેવની અસર રહેશે. પવનની વાત કરું તો, પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠે પવનની ઝડપ 15 થી 20 નોટ અને ક્યારેક 25 નોટ સુધી પહોંચી શકે છે, જો કે માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આપણા સ્થાનિક હવામાનની વાત કરીએ તો, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને બંને શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સમયમાં કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રીથી ઉપર જ રહી શકે છે, તેથી થોડી ગરમીનો અનુભવ થતો રહેશે.




