राष्ट्रीय

ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર…: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગે પણ આપી ખાતરી | West Asia situation Iranian FM Abbas Araghchi and India fm Jaishankar conversation



BRICS India 2026: દિલ્હીમાં BRICS સમિટમાં ભાગ લેવા પહોંચેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને ઈરાનના સંબંધોને વધુ મહત્વના ગણાવ્યા, કહ્યું,-‘ બંને દેશો વચ્ચે ઊંડી મિત્રતા અને મજબૂત રણનૈતિક સહયોગ છે. તેમણે ભારત સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉષ્માભરી મહેમાનગતિ માટે ખુલ્લીને વખાણ કર્યા હતા. 

સંકટ સમયમાં પણ ભારત સાથે સંપર્ક

અરાઘચીએ કહ્યું કે પાછલા બે મહિના દરમિયાન તેમના દેશ પર આક્રમક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે પણ ભારત સાથે સતત સંપર્ક રાખ્યો હતો. ભારતે ન માત્ર કૂટનૈતિક સમર્થન આપ્યું પરંતુ માનવીય સહાયતા મોકલીને ઈરાની લોકો સાથે એકજૂથતા દર્શાવી, અમે ભારત સાથેના અમારા સંબંધોને ઘણું મહત્વ આપીએ છીએ. ભારત હંમેશા આ ક્ષેત્રમાં સંતુલિત અને સન્માનજનક ભૂમિકા ભજવતું આવ્યું છે.

ચર્ચા ચાલતી હતી અને અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અંગે અરાઘચીએ અમેરિકા અને ઈઝરાયલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ચાલી રહી હતી, તે જ સમયે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘અમે કૂટનૈતિક રસ્તાની વચ્ચે હતા, પરંતુ તે જ સમયે અમારા પર હુમલો થયો. આ સંપૂર્ણપણે ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી.’ આ સમગ્ર ઘટનાક્રમે ઈરાન અને અમેરિકા વચ્ચેના વિશ્વાસને વધુ નબળો પાડ્યો છે. તેમના મતે, આજે અમેરિકા તરફથી એક સંદેશ આવે છે અને બીજા દિવસે બીજો. આ અવિશ્વાસનું સૌથી મોટું કારણ છે.

‘ યુદ્ધ વિરામની સ્થિતિ નાજુક’

ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે હાલમાં યુદ્ધવિરામ લાગુ છે, પરંતુ સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક બનેલી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન કોઈ પણ દબાણ કે પ્રતિબંધો સામે ઝૂકવાનું નથી. ઈરાની જનતા માત્ર સન્માનની ભાષા સમજે છે. અમે દરેક વખતે દબાણનો સામનો કર્યો છે અને આગળ પણ કરીશું.

‘પરમાણુ હથિયાર બનાવવાની ઈચ્છા રાખી નથી’

તેમણે એમ પણ કહ્યું કે ઈરાન કોઈ સૈન્ય ઉકેલમાં માનતું નથી અને પ્રાદેશિક શાંતિ માટે વાતચીત જ શ્રેષ્ઠ માર્ગ છે. પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસો હજુ નિષ્ફળ ગયા નથી અને વાતચીતના રસ્તાઓ હજુ પણ ખુલ્લા છે. અરાઘચીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાની ઈચ્છા રાખી નથી. તેમના મતે, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે છે અને તેને લઈને ઘણી ખોટી ધારણાઓ ફેલાવવામાં આવી રહી છે.

ભારતની છબી તમામ દેશોમાં સકારાત્મક, મધ્યસ્થતા કરશે તો સ્વાગત

અરાઘચીએ પશ્ચિમ એશિયાના સંકટમાં ભારતની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારતની છબી તમામ દેશોમાં સકારાત્મક છે અને તે શાંતિ સ્થાપવામાં રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું, ‘ભારત પર્સિયન ગલ્ફના તમામ દેશોનું મિત્ર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આગળ આવે.’ ઈરાની વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે જો ભારત મધ્યસ્થતાની કોઈ સકારાત્મક ભૂમિકા ભજવે તો ઈરાન તેનું સ્વાગત કરશે.

ચાબહાર પોર્ટ ભારત અને ઈરાન સહયોગનું સૌથી મોટું પ્રતીક

ચાબહાર પોર્ટ અંગેના એક પ્રશ્ન પર અરાઘચીએ કહ્યું કે ચાબહાર પોર્ટ ભારત અને ઈરાનના સહયોગનું સૌથી મોટું પ્રતીક છે. તેમણે કહ્યું કે અમેરિકન પ્રતિબંધોને કારણે આ પ્રોજેક્ટની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે આ પોર્ટ ભારત માટે મધ્ય એશિયા, કોકેશસ અને યુરોપ સુધી પહોંચવા માટે ‘ગોલ્ડન ગેટ’ સાબિત થશે. અરાઘચીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત ચાબહાર પોર્ટના વિકાસ કાર્યને આગળ ધપાવશે. તેમના મતે, આ પ્રોજેક્ટ માત્ર ભારત અને ઈરાન માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રની આર્થિક અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે અત્યંત મહત્વનો સાબિત થશે.

આ પણ વાંચો: Explainer: અમેરિકાને ‘નબળો પડતો દેશ’ ગણાવીને ‘થુસીડાઈડ્સ ટ્રેપ’માં નહીં આવવાની જિનપિંગની ચેતવણી, જાણો શું છે આ સ્થિતિ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પણ આપ્યો ભરોસો

ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે. ઈરાન પ્રાદેશિક સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રભાવિત થવા દેવા માંગતું નથી. રાજદ્વારી ઉકેલ અને પ્રાદેશિક સહયોગ પર ભાર મૂકતા અરાઘચીએ સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન સંકટનો ઉકેલ યુદ્ધ નહીં પણ વાતચીત અને વિશ્વાસ દ્વારા જ આવશે.



Source link

Related Articles

Back to top button