આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation ponds in Vadodara district dried up only 10 percent water remained

વડોદરાઃ એકતરફ કાળઝાળ ગરમીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે ત્યારે બીજીતરફ વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ અને ખેડૂતો માટે આધાર બની રહેતા સિંચાઇ તળાવોના સૂકાભટ બનવા માંડતા ગ્રામજનો માટે ચિંતા વધી છે.
વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા વાઘોડિયા,સાવલી અને ડેસર તાલુકામાં ૧૮ સિંચાઇ તળાવોની દેખરેખ રાખવામાં આવે છે.સામાન્ય રીતે આ તળાવોનો ઉપયોગ ઢોરોને પાણી પીવા માટે તેમજ ખેતી માટે કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે કાળઝાળ ગરમીમાં સિંચાઇ તળાવો ઝડપભેર સૂકાઇ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ કુલ ૧૮ તળાવોમાં પાણીની કુલ સંગ્રહ શક્તિ ૯૧૬.૨૭ એમસીએફટી છે.પરંતુ હાલમાં તમામ તળાવોમાં પાણીનો કુલ જથ્થો માત્ર ૯૧.૨૮ એમસીએફટી એટલે કે માંડ ૧૦ ટકા રહ્યો છે.જેમાં શ્રીપોર ટિંબી સિવાય બાકીના ૧૭ તળાવોમાં નહિવત્ પાણી જોવા મળી રહ્યું છે અને આ પાણી સિંચાઇ માટે પણ આપી શકાય તેવી સ્થિતિ નથી.
મહત્વની બાબત એ છે કે,વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઇ તળાવો નર્મદાની કેનાલથી ભરવાની વારંવાર વાતો કરવામાં આવી હતી. પરંતુ આ વાતો નિરર્થક સાબિત થઇ છે. વરસાદ ખેંચાશે તો આગામી થોડા જ દિવસોમાં રહ્યું સહ્યું પાણી પણ ના દેખાય તેવી સ્થિતિ સર્જાય તેમ દેખાઇ રહ્યું છે.
ક્યા તળાવોમાં હાલમાં કેટલી સપાટી
તળાવનું નામ તાલુકો કુલ સંગ્રહ શક્તિ હાલની સપાટી
(MCFT) (MCFT)
શ્રીપોર ટીમ્બી વાઘોડિયા ૧૨૮.૫૦ ૩૪.૭૭
નવી જામ્બુવાઇ ” ૧૭.૮૧ ૧.૦૬
વેસણિયા ” ૧૬.૪૭ ૧.૨૭
ડુંડેલાવ ” ૯.૨૯ ૦.૬૫
ધારોલા ” ૩૨.૦૨ ૧.૭૦
જરોદ ” ૧૫.૮૦ ૭.૮૦
રવાલ ” ૧૫.૬૭ ૪.૮૮
સારવણ ” ૧૫.૮૫ ૧.૨૭
કોટંબી ” ૮.૮૯ ૨.૫૪
મુવાલ સાવલી ૧૩૧.૫૦ ૧.૭૭
જાવલા ” ૫૨.૫૦ ૧.૦૦
કરચિયા ” ૯૫.૯૫ ૩.૪૯
વડદલા ” ૮૦.૩૨ ૪.૮૬
હરિપુરા ” ૫૬.૦૦ ૧.૩૯
મનોરપુરા ” ૬૧.૧૦ ૧.૦૦
ધનોરા ” ૧૨૬.૦૦ ૧૮.૩૦
સુભેલાવ ” ૧૯.૯૮ ૨.૩૧
સારસી ડેસર ૩૨.૬૨ ૧.૨૨
કુલ ૯૧૬.૨૭ ૯૧.૨૮
મિનિ નળસરોવર ગણાતું વઢવાણા તળાવ પણ સૂકાયું,કેનાલથી ભરવા માગ
વડોદરા જિલ્લામાં મિનિ નળસરોવર તરીકે ઓળખાતા વઢવાણા તળાવમાં પણ પાણીનો જથ્થો નહિવત્ રહ્યો છે.
ડભોઇ નજીક આવેલું વઢવાણા સિંચાઇ તળાવ એક સમયે વડોદરા જિલ્લા પંચાયત પાસે હતું.પરંતુ રાજ્ય સરકારે આ તળાવ પોતાના હસ્તગત કરી લીધું છે.
મિનિ નળસરોવર ગણાતા વઢવાણામાં શિયાળા દરમિયાન દેશ-વિદેશના જાતજાતના પંખીઓ આવતા હોય છે.આ તળાવમાં પણ નહિવત્ પાણી રહેતાં તેને કેનાલના પાણીથી ભરવાની માગ કરવામાં આવી છે.
ડભોઇનું ૧૦મી સદીનું ઐતિહાસિક તેનતલાવ લાંબાસમયથી સૂકુંભટ
સિધ્ધરાજ જયસિંહના સમયમાં વિકસિત તેનતલાવની કહાની હીરા સલાટ અને દાસી તેન સાથે સંકળાયેલી છે
વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલું તેનતલાવ શિલ્પ અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે,પરંતુ આ તળાવ પણ લાંબા સમયથી સાવ સૂકું છે.
ડભોઇથી ૧૨ કિમી દૂર આવેલું તેનતલાવ દસમી સદીમાં રાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં વિકસિત થયું હોવાનું મનાય છે.અષ્ટકોણીય આકારના તળાવમાં ચાર મુખ્ય ઓવારા અને અદ્ભૂત કોતરણી કરવામાં આવી છે.
પ્રખ્યાત શિલ્પી હીરા સલાટ અને દાસી તેન ની પ્રેમકહાની પણ આ તળાવ સાથે સંકળાયેલી હોવાની દંતકથા છે.કમનસીબે છેલ્લા એક દાયકાથી આ તળાવમાં પણ પાણી જોવા મળતું નથી.


