નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી! | Glass and Scrap on Shamshan Road Make Funeral Processions Risky in Naswadi

![]()
Crematorium Road In Naswadi: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. અશ્વિન નદીના કિનારે આવેલા સ્મશાન ઘાટ જવાના મુખ્ય રસ્તા પર એક ભંગારના વેપારીએ ગેરકાયદે રીતે કચરો ઠાલવી રસ્તો બંધ કરી દેતા આદિવાસી અને દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.
પગમાં વાગે છે કાચ અને ખીલીઓ
સ્થાનિકોના આક્ષેપ મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ભંગારના વેપારીએ સ્મશાનના રસ્તા પર લોખંડનો ભંગાર, તૂટેલી કાચની બોટલો અને ખીલીઓ નાખી દીધી છે. જ્યારે કોઈનું અવસાન થાય અને લોકો મૃતદેહ લઈને નીકળે છે, ત્યારે રસ્તા પર વેરાયેલા કાચ અને ખીલીઓ પગમાં વાગતા હોવાથી ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ભંગારના વેપારીને મૌખિક રજૂઆત કરવા છતાં રસ્તો ખુલ્લો કરવામાં ન આવતા આખરે લોકોએ વહીવટી તંત્રના દ્વાર ખટખટાવ્યા છે.
સ્મશાન ઘાટ પણ નસીબમાં નથી!
રસ્તાની સમસ્યાની સાથે સાથે સ્મશાનની પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. નસવાડીના આ વિસ્તારમાં પ્રોપર સ્મશાન ઘાટ ન હોવાથી લોકોને ધમધખતા તાપમાં ખુલ્લા આસમાન નીચે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે. નદીમાં ઉતરવા માટે ઓવારો બનાવવાની અનેકવાર રજૂઆત કરવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી.
રાજકારણ ગરમાયું, જનઆક્રોશ ફેલાયો
રસ્તા પર ભંગાર નાખીને રસ્તો સાંકડો કરી દેવાની આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સત્તાધીશો આ મામલે મૌન સેવી રહ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. હાલમાં આદિવાસી અને દલિત સમાજના લોકોએ એકઠા થઈ મોરચો માંડતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોની માંગ છે કે મામલતદાર તાત્કાલિક દબાણ દૂર કરાવે અને સ્મશાન જવા માટે સ્વચ્છ અને સુવિધાયુક્ત રસ્તો ઉપલબ્ધ કરાવે.



