NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ | rahul gandhi reaction on neet exam cancellation say crime against youths future

![]()
Neet Exam Cancellation: NEET-2026( (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓ પછી હવે વિપક્ષ પણ ભારે નારાજ છે. નીટ પેપર લીકના તાર નાસિક-હરિયાણાથી લઈને રાજસ્થાન સુધી જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીની પણ પહેલી પ્રતિક્રિયા આવી ગઈ છે. રાહુલ ગાંધીએ સીધો મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ માત્ર નિષ્ફળતા નથી, યુવાનોના ભવિષ્ય સાથેનો ગુનો છે. દર વખતે પેપર માફિયાઓ બચી નીકળે છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ સજા ભોગવે છે.
સપનાઓને આ ભ્રષ્ટ ભાજપની વ્યવસ્થાએ કચડી નાખ્યા: રાહુલ ગાંધી
લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ નીટ પરીક્ષા રદ થવા અને લીક પર સોશિયલ મીડિયા હેન્ડલ પર લાંબી-લચક પોસ્ટ કરી. રાહુલ ગાંધીએ લખ્યું કે, NEET 2026ની પરીક્ષા રદ થઈ ગઈ. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, ત્યાગ અને સપનાઓને આ ભ્રષ્ટ ભાજપની વ્યવસ્થાએ કચડી નાખ્યા. કોઈ પિતાએ દેવું કર્યું, કોઈ માતાએ દાગીના વેચ્યા, લાખો બાળકોએ રાત-રાતભર જાગીને અભ્યાસ કર્યો, અને બદલામાં મળ્યું – પેપર લીક, સરકારી બેદરકારી અને શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર.
તો પછી શિક્ષણનો અર્થ શું રહી જશે?
રાહુલે સવાલ ઉઠાવતા કહ્યું કે આ માત્ર નિષ્ફળતા નથી, યુવાનોના ભવિષ્ય સાથેનો ગુનો છે. દર વખતે પેપર માફિયાઓ બચી નીકળે છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ સજા ભોગવે છે. હવે લાખો વિદ્યાર્થીઓ ફરીથી એ જ માનસિક તણાવ, આર્થિક બોજ અને અનિશ્ચિતતાનો સામનો કરશે. જો નસીબ પરિશ્રમથી નહીં પણ પૈસા અને વગથી નક્કી થશે, તો પછી શિક્ષણનો અર્થ શું રહી જશે? વડાપ્રધાનનો કહેવાતો અમૃતકાળ, દેશ માટે વિષકાળ બની ગયો છે.
શું પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું?
સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ હવે એ જ છે કે આખરે પેપર બહાર આવ્યું ક્યાંથી? તપાસ એજન્સીઓને શંકા છે કે લીક સીધું પ્રિન્ટિંગ પ્રેસ અથવા મૂળ પેપર સોર્સમાંથી થયું હોઈ શકે છે. એટલે કે મામલો માત્ર કોચિંગ સેન્ટર સુધી સીમિત નથી, પરંતુ પેપર ટ્રાન્સપોર્ટ ચેઈન અને પ્રિન્ટિંગ સિસ્ટમ સુધી પહોંચી શકે છે. આ જ કારણે હવે CBI એ તમામ સંભવિત જગ્યાઓની તપાસ કરશે, જ્યાંથી પેપર બહાર આવી શકતું હતું.
600 નંબર સુધીના સવાલ મેચ!
તપાસ એજન્સીઓના મુજબ કથિત પ્રશ્ન બેંકમાં રહેલા મોટી સંખ્યામાં સવાલો અસલી પરીક્ષામાં બેઠા જોવા મળ્યા. સૂત્રોનો દાવો છે કે અંદાજે 140 સવાલો સીધા મેચ થયા. NEETમાં દરેક સવાલ 4 માર્કનો હોય છે, એટલે કે લગભગ 600 નંબર સુધીનો ફાયદો વિદ્યાર્થીઓને મળી શકતો હતો. આ જ કારણ છે કે હવે મામલો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે. શિક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ ગેસ પેપર (અંદાજિત પેપર) માંથી કેટલાક સવાલો મળી જવા સામાન્ય હોઈ શકે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં પ્રશ્નો સમાન હોવા એ સંયોગ માની શકાય નહીં.
ઝડપથી કથિત પેપરનું સર્ક્યુલેશન શરૂ થયું
સમગ્ર મામલામાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષા પહેલા કેટલાક વિદ્યાર્થીઓને ફોન કરીને કહેવામાં આવ્યું હતું – પેપર આવી ગયું છે. સૂત્રો મુજબ આ કોલ દિલ્હીથી આવ્યો હતો અને ત્યારબાદ સીકરમાં ઝડપથી કથિત પેપરનું સર્ક્યુલેશન શરૂ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં આ સામગ્રી લાખો રૂપિયામાં વેચવામાં આવી હતી. પરંતુ પરીક્ષા નજીક આવતા-આવતા અનેક વિદ્યાર્થીઓએ તેને જાતે જ 5 હજાર થી 30 હજાર રૂપિયા સુધીમાં આગળ વેચવાનું શરૂ કરી દીધું હતું. એટલે કે આખું નેટવર્ક લાલચ અને કમિશનની રમતમાં ફેરવાઈ ગયું.
તપાસનો ધમધમાટ
તપાસમાં સામે આવ્યું છે કે કથિત પેપર માત્ર WhatsApp સુધી મર્યાદિત નહોતું. અનેક એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ દ્વારા પણ તેને શેર કરવામાં આવ્યું હોવાના સંકેત મળ્યા છે. કેટલાક મોબાઈલ ફોનમાં ‘Forwarded Many Times’ ટેગ પણ મળ્યો છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ સામગ્રી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી ચૂકી હતી. SOG હવે સોશિયલ મીડિયા ચેટ, કોલ ડિટેલ્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ટ્રેલની તપાસ કરી રહી છે.
22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર
NEET પરીક્ષા દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું લઈને આમાં સામેલ થાય છે. આ વખતે અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી છે. અનેક વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે વર્ષો સુધી મહેનત કરી, પરંતુ કેટલાક લોકોની લાલચે આખી સિસ્ટમ પર સવાલ ઉભા કરી દીધા છે.
આ પણ વાંચો: NEET UG પરીક્ષા રદ: ‘ગેસ પેપર’માંથી બેઠા પૂછાયા હતા 120થી વધુ પ્રશ્નો, CBI તપાસનો આદેશ
NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) ભારતમાં મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને અન્ય સ્નાતક કક્ષાના મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા NTA (National Testing Agency) દ્વારા આયોજિત કરવામાં આવે છે.



