મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી | A mob vandalized and set a vehicle on fire in Sindhunagar late at night

![]()
ઈન્સ્ટાગ્રામ મિત્રતાને લઈ ભાવનગરમાં બે જૂથ વચ્ચે ટકરાવ
ઘોઘારોડ પોલીસ માથામાં બંને પક્ષે ફરિયાદ નોંધી, એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા
ભાવનગર – ઈન્સ્ટાગ્રામમાં થયેલી મિત્રતાને લઈ સગીર અને સગીરા વચ્ચેની વાતચીતને પગલે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ જતા પરિસ્થિતિ વણસી હતી અને ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગ ચાપી દીધી હતી અને નુકસાન પહોંચાડયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી જઈ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા નવા સિંધુનગરમાં ગત મોડી રાત્રીના ઈન્સ્ટાગ્રામ પર સગીર અને સગીરા વચ્ચે થયેલી વાતચીતને લઈ મનદુઃખ ઉભું થયું હતું. સગીરાના વાલીને સગીર દ્વારા પીછો કરાતો હોવાની જાણ થતાં સિંધુનગરના અંકુર સ્કૂલ પાસે બંને સમાજના લોકો ભેગા થઈ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ટોળા આમને-સામને આવી જતા તોડફોડ અને વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટના મોડી રાતે બનતા સમગ્ર વિસ્તારમા તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને સામસામી મારા મારી થતા લોકલ ક્રાઈમબ્રાન્ચ સહિત ઘોઘા રોડ પોલીસ મથકનો કાફલો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને થોડો સમય સુધી લાઠીઓ વીંઝી મામલાને કાબુમા લીધો હતો. પરંતુ સવાર સુધી સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસ મથકે પણ ટોળાઓ ઉમટયા હતા. આ બનાવ સંદર્ભે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીર અને તેના પરિવારની પૂછપરછ કરાઈ ઃ ડીવાયએસપી
આ બનાવ સંદર્ભે સીટી ડીવાયએસપી આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, બન્ને સગીર ઈન્સ્ટાગ્રામના માધ્યમથી વાતચીત કરતા હતા. આ વાતનું મનદુઃખ રાખી બે પક્ષ વચ્ચે ટકરાવ થયો હતો. જોકે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ તેજ બનાવી છે. તેમજ સગીર અને તેના વાલીની સઘન પૂછપરછ કરવામાં આવી છે.



