राष्ट्रीय

ભાજપનાં 206 પૈકી 152 અને તૃણમૂલનાં 80 પૈકી 34 સામે ક્રિમિનલ કેસ, કરોડપતિની ભરમાર | Criminal cases against 152 out of 206 BJP members and 34 out of 80 Trinamool members



West bengal Election Report : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નવા ચૂંટાયેલા 65 ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ક્રિમિનલ કેસો જાહેર કર્યા છે જે ગયા વખતની ચૂંટણીની સરખામણીમાં ખૂબ જ વધારે છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)નાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

આ રિપોર્ટમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં જીતનારા તમામ 292 ઉમેદવારોનાં એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે 190 ધારાસભ્યો (65 ટકા)એ પોતાની વિરુદ્ધ ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે. 2021માં આ સંખ્યા 142 (49 ટકા) હતી. 

આ વખતે ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા  અને જીતેલા 190 ઉમેદવારો પૈકી  170 (58 ટકા) સામે ગંભીર પ્રકારનાં ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. જ્યારે 2021માં આવા ધારાસભ્યોની સંખ્યા 113 (39 ટકા) હતી. 

આ વખતે ગંભીર અપરાધોનો સામનો કરી રહેલા ધારાસભ્યો પૈકી 14 સામે હત્યાનાં કેસ ચાલી રહ્યાં છે. જ્યારે 54 ધારાસભ્યો સામે હત્યાનાં પ્રયાસનાં કેસો ચાલી રહ્યાં છે. 

63 ધારાસભ્યો મહિલાઓ સામે અપરાધનાં કેસોનો સામનો કરી રહ્યાં છે. જે પૈકી બે ધારાસભ્યો સામે દુષ્કર્મના કેસો ચાલી રહ્યાં છે. 

પક્ષ મુજબ વિશ્લેષણ કરવામાં આવે તો ભાજપનાં જીતેલા 206 ધારાસભ્યો પૈકી  152 (74 ટકા) સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. તૃણમૂલ કોંગ્રેસનાં 80 ધારાસભ્યો પૈકી  34 (43 ટકા) સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. 

આ વખતની ચૂંટણીમાં જીતેલા 292 ધારાસભ્યો પૈકી 178 (61 ટકા)  કરોડપતિ છે. આ સંખ્યા 2021માં 54 ટકા હતી. તમામ ધારાસભ્યોની કુલ જાહેર કરેલી સંપત્તિ 1091 કરોડ રૂપિયા છે. એક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ 3.73 કરોડ રૂપિયા થાય છે. જે ગત વિધાનસભામાં 2.53 કરોડ રૂપિયા હતી. તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 5.36 કરોડ રૂપિયા છે જ્યારે ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 2.97 કરોડ રૂપિયા છે. 

શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો 63 ટકા ઉમેદવાર ગ્રેજયુએટ કે તેથી વધારે ભણેલા છે. જ્યારે 32 ટકા ધારાસભ્યો ધો.5 થી ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે.



Source link

Related Articles

Back to top button