કેનેડામાં વિદેશી દખલ, જાસૂસીમાં ભારતની સંડોવણી : સુરક્ષા એજન્સી | India’s involvement in foreign interference espionage in Canada: Security agency

![]()
– કેનેડિયન સુરક્ષા ઈન્ટેલિજન્સ સર્વિસનો પબ્લિક રિપોર્ટ જાહેર
– ખાલિસ્તાની કટ્ટરવાદીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી, પરંતુ શાંતિપૂર્ણ દેખાવો કાયદેસર : સીએસઆઈએસનું નરમ વલણ
– ભારતે પોતાના હિતો સાધવા નેતાઓ, પત્રકારો સાથે ગુપ્ત સંબંધો બનાવવાના પ્રયત્ન કર્યા : સીએસઆઈએસ
– સીએસઆઈએસે 2025માં બિશ્નોઈ ગેંગ સહિત 12 સંગઠનોને આતંકી સંસ્થા જાહેર કરી
– સીએસઆઈએસે રિપોર્ટમાં યુવાનોમાં કટ્ટરવાદના ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ, ૨૦૨૫માં ચાર સગીરોની ધરપકડ કરાઈ હતી
ઓટ્ટાવા: વડાપ્રધાન માર્ક કાર્ની સરકારમાં કેનેડા અને ભારતના સંબંધો સુધરશે તેવી આશા ઠગારી નીવડી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની જેમ હવે કેનેડાની સુરક્ષા ઈન્ટેલિજન્સ સર્વિસ એજન્સીએ ભારત પર કેનેડામાં વિદેશી દખલ અને જાસૂસીના આક્ષેપો કર્યા છે. એટલું જ નહીં એજન્સીએ કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરવાદી તત્વોને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવ્યા છે, પરંતુ ખાલિસ્તાન તરફી શાંતિપૂર્ણ દેખાવોને કાયદેસરની રાજકીય પ્રવૃત્તિ ગણાવી છે. સીએસઆઈએસના આ પબ્લિક રિપોર્ટ ૨૦૨૫થી બંને દેશો વચ્ચે ઘર્ષણ થવાની આશંકા છે.
કેનેડાની ગુપ્તચર એજન્સીએ તેના નવા રિપોર્ટમાં ભારત પર ફરી ગંભીર આક્ષેપો કર્યા છે. કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (સીએસઆઈએસ)એ તેના પબ્લિક રિપોર્ટ ૨૦૨૫માં કેનેડાની ધરતી પર વિદેશી દખલ અને જાસૂસી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા દેશોની યાદીમાં ચીન, રશિયા, ઈરાન અને પાકિસ્તાનની સાથે ભારતનો પણ સમાવેશ કર્યો છે.
સીએસઆઈએસે દાવો કર્યો છે કે ભારતે કેનેડિયન નેતાઓ અને પત્રકારો સાથે ગુપ્ત સંબંધો બનાવવાનો પ્રયત્ન કર્યો. ભારતે પોતાના રણનીતિક હિતો સાધવા માટે કેનેડાના નેતાઓ, પત્રકારો, ઈન્ડો-કેનેડિયન સમુદાયના સભ્યો સાથે ગુપ્ત સંબંધો બનાવવાનો ‘ઐતિહાસિક’ પ્રયત્ન કર્યો છે. આ સિવાય આ રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય દમનનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત સરકારે તેની ટીકાને દબાવવા નિરીક્ષણ રાખવા અને દબાવ બનાવવા જેવી રણનીતિઓનો પણ ઉપયોગ કરાયો હતો. જોકે, આ રિપોર્ટમાં ખાલિસ્તાની સમર્થક આંદોલનનો પણ ઉલ્લેખ કરાયો છે. કેનેડામાં ખાલિસ્તાની આંદોલનને ભારત પોતાની ઘરેલુ સુરક્ષાની દૃષ્ટિએ જોવે છે ત્યારે આ રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવાયા છે. પરંતુ સાથે જ કેનેડાના જૂના વલણનું પુનરાવર્તન કરતા કહેવાયું છે કે શાંતિપૂર્ણ રીતે ખાલિસ્તાનની તરફેણ કરવી એ કેનેડાની અંદર કાયદેસરની રાજકીય પ્રવૃત્તિ છે અને તેને કટ્ટરવાદી આંદોલન માની શકાય નહીં.
આ રિપોર્ટમાં કેનેડાના ઈતિહાસના સૌથી ઘાતક આતંકી હુમલા એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૮૨ના બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરાયો છે. આ હુમલો કેનેડા સ્થિત શકમંદ કટ્ટરવાદી ખાલિસ્તાનીઓએ કર્યો હતો. પરંતુ ૨૦૨૫માં કેનેડામાં હવે આવું કોઈ જોખમ નથી. જોકે, કટ્ટરવાદીઓનું એક નાનું જૂથ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેના માટે કેનેડાની ધરતીનો ઉપયોગ કરે છે. આ ખાલિસ્તાની કટ્ટરવાદીઓ કેનેડિયન નાગરિકો સાથે જોડાયેલા છે અને પોતાના હિંસક એજન્ડાને આગળ વધારવા કેનેડાની સંસ્થાઓનો પણ ઉપયોગ કરે છે.
સીએસઆઈએસે આ રિપોર્ટમાં ૨૦૨૫માં ૧૨ નવા જૂથોનો આતંકી સંસ્થામાં સમાવેશ કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય ગુનાઈત સંગઠનોની યાદીમાં બિશ્નોઈ ગેંગનું નામ પણ સામેલ છે. રિપોર્ટમાં યુવાનોમાં કટ્ટરવાદના ફેલાવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. તાજેતરના વર્ષોમાં ૧૩ વર્ષ સુધીના સગીરો પણ આતંકી વિરોધી તપાસના ઘેરામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫માં જ આતંકવાદ સંબંધિત કેસોમાં ચાર સગીરોની ધરપકડ કરાઈ હતી.
– ખાલિસ્તાની સમર્થકોએ ઝંડા લહેરાવતા દિલજિત દોસાંજ ભડક્યો
ટોરોન્ટો: કેનેડાના કેલગરીમાં પંજાબી ગાયક અને અભિનેતા દિલજિત દોસાંજની એક કોન્સર્ટમાં કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ તેમના ઝંડા લહેરાવતા દોસાંજ ભડક્યો હતો. તેની કોન્સર્ટમાં ખાલિસ્તાની ઝંડા જોતા દિલજિત દોસાંજે ગાવાનું બંધ કર્યું અને તેણે ભીડ તરફ ઈશારો કર્યો.
હાથમાં માઈક લઈને તેમણે ખાલિસ્તાની સમર્થકોને ઝંડા બતાવવાનું બંધ કરીને કોન્સર્ટમાંથી નીકળી જવાનું કહ્યું હતું. ખાલિસ્તાની સમર્થકો સિક્યોરિટી તોડીને કોન્સર્ટમાં ઘૂસ્યા હતા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઘર્ષણના કારણે થોડાક સમય માટે કોન્સર્ટમાં તણાવપૂર્ણ વાતાવરણ થઈ ગયું હતું.



