ચીનની કંપનીઓ અમેરિકાની એઆઈ લેબમાંથી ડેટા ચોરી રહી છે : એન્થ્રોપિક | Chinese companies are stealing data from US AI labs: Anthropic

![]()
અમેરિકન એઆઈ કંપનીની પ્રમુખ ટ્રમ્પને ફરિયાદ
ચીનની ત્રણ એઆઈ લેબ ડીપસીક, મૂનશોટ, મિનીમેક્સે 24,000 નકલી ખાતાથી ક્લોડ સાથે 1.6 કરોડથી વધુ વખત સંવાદ કર્યો
ન્યૂયોર્ક: દુનિયામાં આગામી સમય હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો છે ત્યારે ચીનની એઆઈ કંપની ડીપસીકે ટેક્નોલોજીના ક્ષેત્રમાં અમેરિકાને પડકાર ફેંક્યો છે. એઆઈ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવા મુદ્દે અમેરિકા અને ચીન આમને-સામને છે. આવા સમયે અમેરિકાની એઆઈ જાયન્ટ એન્થ્રોપિકે ટ્રમ્પ સરકારને ફરિયાદ કરી છે કે ચીનની કંપનીઓ અમેરિકાની એઆઈ લેબમાંથી ડેટા ચોરવાનો પ્રયત્ન કરી રહી છે. ચીનના આ પ્રયત્નોને ખુલ્લા પાડવા માટે અમેરિકન વિદેશ વિભાગે વૈશ્વિક અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
અમેરિકન વિદેશ વિભાગે દુનિયાભરમાં તેના રાજદૂતો અને કોન્સ્યુલર મિશનોને મોકલેલા કેબલ સંદેશામાં રાજકીય કર્મચારીઓને નિર્દેશ અપાયો છે કે તેઓ પોતાના વિદેશી સમકક્ષો સાથે વિરોધીઓ દ્વારા અમેરિકાના એઆઈ મોડેલો પાસેથી માહિતી મેળવવા અને તેને ડિસ્ટિલ કરવા સંબંધિત ચિંતાઓ પર વાત કરે. ડિસ્ટિલેશનમાં મોટા અને વધુ મોંઘા એઆઈ મોડેલોથી મળેલા આઉટપુટનો ઉપયોગ કરીને નાના એઆઈ મોડેલોને ટ્રેઈન કરાય છે. નવા અને શક્તિશાળી એઆઈ ટૂલને ટ્રેઈન કરવાનો ખર્ચ ઘટાડવા આમ કરવામાં આવે છે.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત અમેરિકાની અગ્રણી એઆઈ કંપની એન્થ્રોપિકે ત્રણ અગ્રણી ચીની એઆઈ કંપનીઓ પર પ્રતિસ્પર્ધી મોડેલને ગુપ્ત રૂપે તાલિમ આપવા માટે તેના ક્લોડ ચેટબોટનો મોટાપાયા પર ઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. એન્થ્રોપિકની આ ફરિયાદના પગલે અમેરિકન વિદેશ વિભાગે આ પગલું લીધું છે. એન્થ્રોપિકે પોતાના બ્લોગ પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે ચીનની લેબ્સ ડીપસીક, મૂનશોટ એઆઈ અને મિનીમેક્સે કોર્પોરેટ કાયદાનો ભંગ કરતા તેના ક્લોડ એઆઈ ટૂલ સાથે ચેડાં કર્યા છે. એન્થ્રોપિકે તેના બ્લોકમાં કહ્યું કે, ત્રણ એઆઈ લેબ ડીપસીક, મૂનશોટ અને મિનીમેક્સ દ્વારા ક્લોડની ક્ષમતાઓને ગેરકાયદે રીતે કાઢીને પોતાના મોડેલને વધુ સારા બનાવવાના ઔદ્યોગિક સ્તરના અભિયાનોની ઓળખ કરી છે. આ લેબ્સે અમારી સેવા શરતો અને ક્ષેત્રીય પહોંચ પ્રતિબંધોનો ભંગ કરતા લગભગ ૨૪,૦૦૦ નકલી ખાતાઓના માધ્યમથી ક્લોડ સાથે ૧.૬ કરોડથી વધુ વખત સંવાદ કર્યો હતો.
ફરિયાદમાં મૂનશોટ એઆઈ દ્વારા ઉપયોગ કરાનારી ટેકનિકનું પણ વર્ણન કરાયું છે. મૂનશોટના ત્રણ ડિસ્ટિલેશન અભિયાનોએ એક સમાન રણનીતિ અપનાવી, જેમાં નકલી ખાતા અને પ્રોક્સી સેવાઓનો ઉપયોગ કરીને મોટાપાયે ક્લોડ સુધી પહોંચ બનાવી.



