ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress’s position as Leader of Opposition in 10 Municipal Corporations of Gujarat is in jeopardy

![]()
મનપામાં પોતાના નિયમો પણ ‘માવળંકર રૂલ’ પળાય તો લોકસભાના નિયમ મૂજબ વિરોધ પક્ષના નેતા બનવા કૂલ બેઠકોના કમસેકમ 10 ટકા બેઠક મળવી અનિવાર્ય : વિરોધપક્ષને મહાપાલિકામાં અલગ ઓફિસ, સ્ટાફ, વાહન સહિત સુવિધા અપાતી હોય છે : 5 મનપામાં આ પદ કોંગ્રેસને
રાજકોટ, : ગુજરાતની 15 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપને માત્ર બહુમતિ મળી નથી પરંતુ, કોંગ્રેસને એટલો કારમો પરાજ્ય મળ્યો છે કે 15 પૈકી 10 મહાપાલિકામાં લોકસભાના ‘માવળંકર રૂલ ‘તરીકે જાણીતા નિયમનું ચૂસ્ત અર્થઘટન કરાય તો વિરોધપક્ષના નેતાનું સત્તાવાર પદ પણ મળી શકે તેમ નથી.
ઈ.સ. 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી.માવળંકરે એવો નિયમ જાહેર કર્યો હતો કે વિરોધપક્ષના નેતા (લીડર ઓફ ઓપોઝીશન) ની માન્યતા મેળવવા વિરોધપક્ષે કમસેકમ લોકસભાની કૂલ બેઠકોના 10 ટકા બેઠક મેળવવી જોઈએ. એટલે કે 543 બેઠકમાં 55 બેઠક મળે તો જ આ પદ મળી શકે.
ગુજરાતમાં મહાપાલિકાઓની સામાન્ય સભાના સંચાલન માટે પોતાના નિયમો હોય છે અને ભાજપના એક સમયના શાસકો ઉદાર મન રાખીને વિરોધપક્ષના નેતાનું પદ લોકશાહી પરંપરા જાળવવા આપતા હતા. જેમ કે રાજકોટમાં 1995માં કૂલ 60 બેઠકોમાં ભાજપને 59 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક છતાં વિપક્ષી નેતાનું પદ અપાયું પરંતુ, ગત ઈ.સ. 2021-26ની ટર્મમાં કોંગ્રેસને 72માંથી 4 બેઠક મળતા આ પદ આપવાનો વિરોધ વચ્ચે ધસીને ઈન્કાર કરાયો હતો અને ઓફિસ,વાહન પરત લઈ લેવાયા હતા.
મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન ઉપરાંત તાજેતરના વર્ષોમાં શાસકપક્ષના નેતા,દંડકને કાર,ઓફિસ સહિત સુવિધા પ્રજાના ખર્ચે અપાય છે તે રીતે વિરોધપક્ષને પણ અલગ ઓફિસ, સ્ટાફ, મનપાના ખર્ચે સત્તાવાર વાહન, ભથ્થા વગેરે સુવિધા અપાતી હોય છે. કોંગ્રેસને 10 મહાપાલિકામાં 10 ટકા કે વધુ બેઠકો મળી નથી તેથી આ પદ જોખમમાં છે જ્યારે 5 મહાપાલિકામાં તેને આ પદ મળી શકશે.


