વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

![]()
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર ૧૧માં બોગસ વોટિંગ સામે વાંધો ઉઠાવી ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રી-ઇલેક્શન યોજવાની માગ કરાઈ છે.
ગઈકાલે મતદાન દરમિયાન વોર્ડ નંબર ૯નાં કોંગ્રેસી મહિલા ઉમેદવાર મીનાબહેન વસાવા મતદાન કરવા વોર્ડનં. ૧૧ ખાતે પહોંચ્યાં હતાં, કારણ કે તેમનું નિવાસસ્થાન વોર્ડનં. ૧૧માં આવેલું છે. જ્યારે તેઓ મતદાન કરવા પહોંચ્યાં ત્યારે તેમનો મત અન્ય કોઈ વ્યક્તિ પહેલેથી જ આપી ગઈ હોવાની જાણ થઈ હતી.
આ ઘટનાની જાણ તાત્કાલિક ચૂંટણી અધિકારીને કરાઈ હતી, જેના પગલે ટેન્ડર વોટિંગ દ્વારા મીનાબહેન વસાવાનો મત નોંધવામાં આવ્યો હતો. સાથે, આ બોગસ વોટિંગના મામલે ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
આજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ શહેર પ્રમુખની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસ પ્રમુખે ભાજપ સામે બોગસ વોટિંગના આક્ષેપો કરી વોર્ડ નં. ૧૧માં ગેરરીતિ આચરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે ન્યાયયુક્ત તપાસ કરી રી-ઈલેક્શન યોજવાની માગ કરાઈ છે.



