દુનિયાનો જીડીપી ૧૧૦૦૦૦ અબજ ડોલર, ૨૭૧૮ અબજ ડોલર સંરક્ષણ પાછળ ખર્ચાય છે. | Of the world’s GDP of 110 trillion 2 718 billion is spent on defense

![]()
સ્ટોકહોમ,27 એપ્રિલ,2026,સોમવાર
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (સીપ્રી)ના અહેવાલ અનુસાર દુનિયા ભરમાં સૈન્ય ખર્ચ વર્ષ ૨૦૨૫માં ૨.૯ ટકાનો વધારો થયો છે. છેલ્લા ૧૧ વર્ષથી સૈન્ય ખર્ચમાં સતત વધારો થઇ રહયો છે જે એક રેકોર્ડ છે. મોંઘવારી અને અન્ય કારણોસર એક દાયકામાં ડિફેન્સ ખર્ચ ૪૧ ટકા જેટલો વધ્યો છે. અમેરિકા પોતાની પરમાણુ અને પરંપરાગત સૈન્ય ક્ષમતા મજબૂત કરવા નાણાખર્ચમાં વધારો કર્યો છે. યુરોપીયન દેશોએ એક વર્ષમાં ૧૪ ટકા જેટલો સંરક્ષણ ખર્ચ વધાર્યો છે. એવું માનવામાં આવે છે કે સૈન્ય સહયોગ સંગઠન ‘નાટો’ માટે અમેરિકા પરથી વિશ્વાસ ઘટવાથી યુરોપ પોતાનું સંરક્ષણ બજેટ વધારી રહયું છે.
અમેરિકા, ચીન અને રશિયા પછી સૌથી વધુ સંરક્ષણ ખર્ચ જર્મની કરે છે. ૧૯૯૦ પછી પ્રથમવાર જર્મનીએ ૨૦૨૫માં સૈન્ય ખર્ચ ૨૪ ટકા વધારીને ૧૧૪ અબજ ડોલર કર્યો છે. ચીન ઉપરાંત જાપાન, તાઇવાન, ભારત અને પાકિસ્તાન જેવા એશિયાઇ દેશોમાં પણ સેના પર ખૂબ ખર્ચ થવા લાગ્યો છે. જો કે નવાઇની વાત તો એ છે કે મધ્ય પૂર્વના દેશોમાં સૈન્ય ખર્ચમાં વર્ષ ૨૦૨૫માં ખાસ વધારો થયો નથી. ઇઝરાયેલના સંરક્ષણ ખર્ચમાં થોડો ઘટાડો પણ થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરી ૨૦૨૫માં હમાસ સાથે સંઘર્ષવિરામ થવાથી ઇઝરાયેલો ખર્ચ ઘટયો છે. ઇરાન અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ફેબુ્રઆરીના અંતથી અત્યાર સુધી ગલ્ફમાં સંઘર્ષ ચાલી રહયો છે પરંતુ ૨૦૨૫માં ઇરાનને આર્થિક મુશ્કેલીના લીધે સૈન્ય ખર્ચ ઓછો કરવાની ફરજ પડી હતી.સમગ્ર દુનિયાની જીડીપી ૧૧૦ ટ્રિલિયન એટલે કે ૧૧૦૦૦૦ અબજ ડોલરની છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટે નોંધ લીધી છે કે કુલ ૨૭૧૮ અબજ ડોલર હથિયારો અને સંરક્ષણ ઉપકરણો પાછળ ખર્ચ થવા લાગ્યો છે.



