દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will start probe on 150 crore myul accout scam of Ramol

અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં આવેલી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકમાંથી લોન અપાવવાનું કહીને તેમના નામે મ્યૂલ એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના દોઢ અબજ જેટલા નાણાંની હેરફેર કરવામાં આવી હોવાની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. જો કે આ કેસની તપાસમાં પોલીસે બેેંકના અધિકારીઓની બેદરકારી અનુસંધાનમાં કોઇ સંતોષકારક કાર્યવાહી ન કરતા આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ શકે છે. તેમજ આ ઉપરાંત, તપાસ અધિકારી પાસે પણ ખુલાસો પુછવામાં આવશે.
રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી કે વસ્ત્રાલમાં આવેલી સીતારામ સીટીમાં રહેતા અલ્કાબેન પટેલ સાથે થયેલા સાયબર ક્રાઇમમાં તેમના નાણાં ગુજરાત મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકમાં ખોલાવેલી ખાતામાંથી ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું. આ બેંક એકાઉન્ટ કિરણ ટ્ેડર્સના નામે હતુ અને તેના પ્રોપાઇટર તરીકે મુકેશભાઇના નામે હતું. આ બેંક એકાઉન્ટમાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ બેંક એકાઉન્ટમાં ૧.૪૮ અબજના નાણાંકીય વ્યવહાર થયા હતા.
આ અંગે પોલીસે મુકેશભાઇની પુછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમને લોન અપાવવાનું કહીને નવીન અને ગૌરાંગ નામના વ્યક્તિએ દસ્તાવેજ લઇને જાણ બહાર એકાઉન્ટ ખોલીને નાણાંની હેરફેર કરી હતી.આ કેસમાં તપાસ કરવામાં માટે તપાસ અધિકારીને ખાસ સુચના આપવામાં હતી કે આ કેસમાં બેંકના અધિકારીઓની સંડોવણીની શક્યતા છે. જે અંગે ખાસ તપાસ કરીને રિપોર્ટ આપવો.
પરંતુ, સુત્રોના જણાવ્યા મુજબ આ કેસની તપાસમાં બેંકના અધિકારીઓને બેંક એકાઉન્ટમાં દોઢ અબજના નાણાંકીય વ્યવહારની અંગે જાણ હોવા છંતાય, તેમણે આંખ આડા કાન કર્યા હતા. પરિણામે બેંક એકાઉન્ટમાં બેરોકટોક રીતે છેતરપિંડીના નાણાંની હેરફેર થઇ હતી. તેમજ મુખ્ય બે આરોપીઓની સાંઠગાંઠ બેંક સાથે હતી. તેમ છતાંય, પોલીસ દ્વારા બેંક અધિકારીઓને આ કેસમાં આરોપી તરીકે ગણવામાં આવ્યા નથી.
જે અંગે ઉચ્ચ કક્ષાએ જાણ થતા હવે આ કેસની તપાસનો રિપોર્ટ મંગાવીને કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. સાથેસાથે તપાસ અધિકારીની ભૂમિકા અંગે પણ તપાસ થઇ શકે છે.



