ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter District Burglar Mala Samecha Arrested in Ahmedabad with Gold and US Dollars

![]()
Ahmedabad News : અમદાવાદ શહેરની નારોલ પોલીસે ઘરફોડ ચોરીના એક મસમોટા ગુનાનો ભેદ ઉકેલીને 48 વર્ષીય રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 1 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આંતરજિલ્લા સ્તરે ઘરફોડ ચોરીઓને અંજામ આપતો આ તસ્કર ગાંધીનગરના સેક્ટર-7માં થયેલી એક મોટી ચોરીમાં વોન્ટેડ હતો.
ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન
નારોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો શખસ માલાભાઈ નાથાભાઈ સમેચા અમદાવાદમાં ફરી રહ્યો છે. આ પછી પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે, પોલીસે ગાંધીનગરના સેક્ટર-2 વિસ્તારમાં દરોડો પાડ્યો હતો જ્યાં તેણે ચોરીનો મુદ્દામાલ છુપાવ્યો હતો.
1 કરોડનો મુદ્દામાલ જપ્ત
સોના-ચાંદીના દાગીના: અંદાજે રૂ.92.28 લાખની કિંમતના.
વિદેશી ચલણ: 7,600 અમેરિકન ડોલર (ભારતીય રૂપિયામાં આશરે રૂ.7.14 લાખ).
વાહન: એક કાર.
સાધનો: ઘરફોડ ચોરીમાં વપરાતા હથિયારો અને તૂટેલું લોકર.
કચ્છથી લઈને અમદાવાદ સુધી લૂંટફાટનો ઈતિહાસ
પકડાયેલો આરોપી માલા સમેચા ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના વિવિધ જિલ્લાઓમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તેની વિરુદ્ધ પાસા(PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં તેની ધરપકડ ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે કરવામાં આવી છે.
મોટી ગેંગની સંડોવણીની આશંકા
નારોલ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આટલી મોટી ચોરીઓમાં તેની સાથે અન્ય સાગરીતો પણ સામેલ હોઈ શકે છે. આ ઉપરાંત, શહેર અને રાજ્યમાં વણઉકેલાયેલા ઘરફોડ ચોરીના અન્ય કેટલા ગુનાઓમાં તેની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.



