‘ભારત એક મહાન દેશ…’, 24 કલાકમાં જ ટ્રમ્પનો યુ-ટર્ન, અગાઉ ગણાવ્યું હતું ‘નરક’, વિદેશ મંત્રાલયે પણ આપી પ્રતિક્રિયા | us president trump took u tern within 24 hours says india great country after hell hole statement

![]()
American Citizenship Trump U-Tern: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 24 કલાકથી પણ ઓછા સમયમાં પોતાની વાત પર યુ-ટર્ન લઈ લીધો છે. સંભવતઃ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે તેમણે ભારતને એક મહાન દેશ ગણાવ્યો છે. ટ્રમ્પે પહેલા બફાટ કર્યા બાદ ભારતની પ્રશંસા કરી અને કહ્યું કે આ દેશનું નેતૃત્વ અમારા એક ‘ખૂબ જ સારા મિત્ર’ કરી રહ્યા છે. આ પહેલા દિવસની શરૂઆતમાં, ટ્રમ્પે અમેરિકન રાજકીય વિવેચક અને રેડિયો હોસ્ટ માઈકલ સેવેજના પોડકાસ્ટની એક વંશીય ટિપ્પણીને રીપોસ્ટ કરી હતી, જેમાં તેમણે ભારત, ચીન અને અન્ય દેશોને ‘હેલ-હોલ’ (નરક સમાન) કહ્યા હતા.
ભારત એક મહાન દેશ: ટ્રમ્પ
જે બાદ નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મ્સે જણાવ્યું કે રિપબ્લિકન નેતાએ ભારત વિશે ઉષ્માભર્યું નિવેદન આપ્યું છે અને તેને એક મહાન રાષ્ટ્ર ગણાવ્યું છે અને કહ્યું કે ભારતના નેતા સાથે તેમની વ્યક્તિગત મિત્રતા છે. ટ્રમ્પે કહ્યું છે કે,ભારત એક મહાન દેશ છે, જેના સર્વોચ્ચ સ્થાને મારા એક ખૂબ જ સારા મિત્ર છે.’
સેવેજનો વીડિયો શેર કર્યો હતો
ખરેખર, આ પહેલા ટ્રમ્પે સેવેજના પોડકાસ્ટ ‘સેવેજ નેશન’ની ટ્રાન્સક્રિપ્ટ અને વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે જન્મજાત નાગરિકતા પર યુએસ સુપ્રીમ કોર્ટની દલીલોની કડક ટીકા કરી હતી. અમેરિકાના જન્મજાત નાગરિકતા કાયદામાં ફેરફારની માંગ કરતા પોતાના વંશીય નિવેદનમાં, સેવેજે આરોપ લગાવ્યો હતો કે આ બે એશિયાઈ દેશોના લોકો યુએસમાં ‘નવમા મહિનામાં બાળક પેદા કરવા’ આવે છે, અને આ કાયદો તેમને ‘તરત જ’ યુએસના નાગરિક બનાવી દે છે. આ વીડિયોને રિપોસ્ટ કરતાં ટ્રમ્પે એક પત્ર પણ લખી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે જણાવ્યું હતું કે તેમણે આ બાબતે કેટલાક રિપોર્ટ્સ જોયા છે. તેમણે કહ્યું, ‘હું બસ એટલું જ કહેવા માંગુ છું કે અમે આ મામલે કેટલાક રિપોર્ટ્સ જોયા છે.’
ભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને બોલાવે છે
ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું છે હતું કે, ‘અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ ‘નરક'(Hellhole)માંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે.’ ટ્રમ્પનો દાવો છે કે આ નીતિનો દુરુપયોગ કરીને વિદેશીઓ અમેરિકામાં પોતાના આખા પરિવારને વસાવી રહ્યા છે.
કેલિફોર્નિયાના ટેક સેક્ટર પર નિશાન
ટ્રમ્પે માત્ર નાગરિકતા જ નહીં, પરંતુ રોજગારીના મુદ્દે પણ ભારત અને ચીન પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે, કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ છે, જેના કારણે અન્ય લોકો માટે તકો મર્યાદિત બની રહી છે. જોકે, તેમણે આ દાવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
ACLUને ગણાવી હતી ગુનેગાર સંસ્થા
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) પર પ્રહાર કરતાં ટ્રમ્પે તેને ગુનેગાર સંસ્થા ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સંસ્થા અમેરિકન નાગરિકોના ભોગે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ફાયદો પહોંચાડતી નીતિઓનું સમર્થન કરે છે. તેમણે ACLU વિરુદ્ધ RICO (ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ વિરોધી કાયદો) હેઠળ કાર્યવાહી કરવાની પણ સલાહ આપી છે.



