VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC election

![]()
વડોદરા, તા.15 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ ૭ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી રદ કરવા અરજી કરી હતી. આ સાથે જ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૯ વોર્ડ માટે કુલ ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
તા.૨૬ એપ્રિલના રોજ યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થયું હતું. આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે અલગ-અલગ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવનાર બે કોંગી સહિત ૭ ઉમેદવારોએ ચૂંટણી નહી લડવાનું નક્કી કરી પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા હતાં. વોર્ડ નંબર ૧માં સૌથી વધુ ૨ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતાં.
આજે સાંજે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જતા કુલ ૧૯ વોર્ડમાં ૨૫૮ ઉમેદવારો નિશ્ચિત થઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસના ૭૬-૭૬, બસપા, આપ અને અન્ય અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ ૧૯ ઉમેદવારો વોર્ડ નંબર ૧૨માં જ્યારે સૌથી ઓછા ૯ ઉમેદવારો વોર્ડ નંબર ૧૧માં નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં આ વર્ષે કુલ ૪૭૩ ફોર્મ ચૂંટણી લડવા માટે ભરાયા હતાં જે પૈકી ૨૦૬ ફોર્મ ચકાસણી દરમિયાન અમાન્ય ઠર્યા હતાં.


