વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitaraman

![]()
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨
કેન્દ્રીય બજેટમાં આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે રોકાણને
પ્રાથમિકતા આપવામાં આવી છે અને નાણાકીય ખાધની સ્થિતિથી ખબર પડે છે કે સરકારની
પ્રાથમિકતા વૃદ્ધિ છે તેમ નાણા પ્રધાન નિર્મલા સિતારામને એક નિવેદનમાં જણાવ્યું
હતું.
સિતારામને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યાના એક દિવસ
પછી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોનાનાં ભાવમાં વધ-ઘટ વૈશ્વિક અનિશ્ચિતતાને
કારણે છે અને અનેક કેન્દ્રીય બેંકો સોનામાં રોકાણ કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આનાથી એ પણ ખબર પડે છે કે
રોકાણકારોને કોઇ એક કરન્સી પર વિશ્વાસ નથી અને તેના કારણે સોનાની ખરીદી વધી રહી
છે.
એફ એન્ડ ઓ ટ્રેડ પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ
(એસટીટી)માં વૃદ્ધિ અંગે નાણા પ્રધાને જણાવ્યું હતું કે આ સટ્ટાબાજીવાળા એફ એન્ડ ઓ
ટ્રેડમાં કદમ રાખનારા લોકોને નિરુત્સાહિત કરવા માટે છે.
બજેટમાં ફ્યુચર કોન્ટ્રાક્ટ પર એસટીટી ૦.૦૨ ટકાથી વધારી
૦.૦૫ ટકા કરવાનો પ્રસ્તાવ છે. ઓપ્શન પ્રિમિયમ અને ઓપ્શન એક્સરસાઇઝ પર એસટીટી વધારી
૦.૧૫ ટકા કરવાનો પ્રસ્તાવ છે.
સેબીના સ્ટડી અનુસાર એફ એન્ડ ઓ સેગમેન્ટમાં રિટેલ રોકાણકારોને
૯૦ ટકાથી વધારે સોદાઓમાં નુકસાન થાય છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે ભૂતકાળમાં પણ આવી
લેવડદેવડને ઘટાડવા પગલા ભર્યા હતાં.
સિતારામને જણાવ્યું હતું કે અમે ફક્ત એફ એન્ડ ઓ ટ્રેડમાં જ એસટીટી
વધાર્યો છે કારણકે તેમાં સટ્ટાબાજી ઘણી વધારે છે. એફ એન્ડ ઓમાં સરકારના હસ્તક્ષેપની
માંગ કરવામાં આવી હતી.



