गुजरात

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ મોહિત વાધવાએ BRO મોટરસાઇકલ રેલી 2021ને ઝંડી બતાવીને પ્રયાણ કરાવ્યું

Anil Makwana

અમદાવાદ

કાંતિલાલ સોલંકી

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ મોહિત વાધવાએ 18 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતેથી “ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021”ને ઝંડી બતાવીને પ્રયાણ કરાવ્યું હતું. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે “આઝાદીનો અમૃત મહોત્સવ” ચાલી રહ્યો છે તેના ભાગરૂપે હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમના સહયોગથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સીમા માર્ગ સંગઠનના 10 બાઇકસવારો આ રેલીમાં ભાગ લઇ રહ્યાં છે. તેઓ 25 ડિસેમ્બર 2021 સુધીમાં ભૂજ, બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુર થઇને અંતે દિલ્હી પહોંચશે અને આઠ દિવસના સમયમાં અંદાજે 2,700 કિલોમીટર કરતાં વધારે અંતર કાપશે.

આ રેલીને ઝંડી બતાવીને પ્રયાણ કરાવતી વખતે ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વર્ષ છે અને સરહદી ક્ષેત્રોમાં જ્યાં કનેક્ટિવિટી અત્યંત નિર્ણાયક સ્થિતિમાં હોય છે ત્યાં દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સીમા માર્ગ સંગઠનના પીઢ સૈનિકોને યાદ કરવા માટે આપણા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકો સાથે જોડાવા માટે અને સીમા માર્ગ સંગઠનના જુસ્સા તેમજ બલિદાન વિશે તેમને યાદ અપાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વના હોય છે. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સાહસની પ્રશંસા કરી હતી. જનરલ ઓફિસર કમાન્ડિંગે આ રેલીમાં સહકાર આપવા બદલ હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ રેલી દરમિયાન યુદ્ધના સેવા નિવૃત્ત જવાનો/શહીદોની વિધવાઓ સાથે તેમજ સશસ્ત્ર દળો અને સીમા માર્ગ સંગઠનના અન્ય સેવા નિવૃત્ત કર્મીઓ સાથે સંવાદ યોજવામાં આવશે. આ બાઇકચાલકો શાળાઓ અને કોલેજોની મુલાકાત લેશે અને દેશના યુવાનો સાથે જોડાઇને સીમા માર્ગ સંગઠનના જુસ્સા અને બલિદાનની ભાવના પર પ્રકાશ પાડશે. આ રેલીનો ઉદ્દેશ લોકોમાં દેશભક્તિની ભાવના ફરી જગાવવાનો અને સીમા માર્ગ સંગઠનની અદમ્ય ભાવના દર્શાવવાનો છે. તેમજ, આ રેલી દરમિયાન યુવાનોને BROમાં રહેલી કારકિર્દીની સંભાવનાઓ વિશે સમજાવીને પ્રતિષ્ઠિત સીમા માર્ગ સંગઠનમાં જોડાવા માટે તેમને પ્રેરિત કરવામાં આવશે. રેલી દરમિયાન મેડિકલ કેમ્પ, માર્ગ સલામતી ઝુંબેશો યોજવામાં આવશે અને તે વૃદ્ધાશ્રમો/અનાથાશ્રમોની પણ મુલાકાત લેશે. BPCL ગાંધીનગર દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરીને BRO રેલીની ટીમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button