गुजरात

અમદાવાદની નિરમા સ્કૂલનાં ત્રણ અને ઉદગમ સ્કૂલનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

અમદાવાદ: સુરત શહેરની સ્કૂલ બાદ અમદાવાદની પણ બે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટવ આવ્યા હોવાની ઘટના બની છે. એસ.જી.હાઈવે પર આવેલી નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ઉદગમ સ્કૂલની એક વિદ્યાર્થિની પોઝિટવ આવી છે. ડીઈઓ દ્વારા નિરમા સ્કૂલને સાત દિવસ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં સ્કૂલના બાળકો સંક્રમિત થયા હોવાની આ પ્રથમ ઘટના છે. છેલ્લી બે લહેરમાં સ્કૂલો જ બંધ હોવાથી સ્કૂલમાંથી બાળક સંક્રમિત થયા હોવાની સ્કૂલ બંધ કરવી પડી હોય તેવી ઘટના સામે આવી નહોતી.

અમદાવાદના એસ.જી.હાઈવે પર છારોડી ખાતે આવેલી નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ડીઈઓના જણાવ્યા અનુસાર વાલીઓએ પોતાના ઘરમા આવેલા અન્ય સંક્રમિત દર્દીઓને ધ્યાને લઈને સમગ્ર પરિવારના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.જેમાં બે ઘરમાંથી બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ વાલીઓએ સ્કૂલને જાણ કરી હતી. કોરોના પોઝિટિવ થયેલા ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પ્રાથમિક શાળાનો છે અને બે વિદ્યાર્થી માધ્યમિકનાં છે. જેમાં એક વિદ્યાર્થી ધોરણ 9નો અને એક ધોરણ 11નો છે. આ બંને વિદ્યાર્થી એક જ ઘરનાં છે. આ બંને બાળકોના પિતા કોરોના પોઝિટિવ આવતા બાળકો સહિત અન્ય સભ્યોએ પણ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

એક જ સ્કૂલમાંથી ત્રણ વિદ્યાર્થી એક સાથે એક જ દિવસે કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવતા અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા નિયમ પ્રમાણે કાર્યવાહી કરાતા નિરમા સ્કૂલને સાત દિવસ માટે બંધ રાખવા આદેશ કર્યો છે.ઉપરાંત સમગ્ર સ્કૂલને સેનેટાઈઝ કરવાની અને અન્ય બાળકોના તેમજ તેમના વાલીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવાની સૂચના આપી છે. આ ત્રણેય બાળકો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે કે કેમ તે અંગે કોઈ જાણકારી અપાઈ નથી.થોડા દિવસ પહેલા સુરતમાં પણ બે સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા હતા અને બંને સ્કૂલો બંધ કરાઈ હતી.મહત્વનું છે કે બીજી લહેર બાદ હવે કોરોનાના વધતા કેસોમાં વિદ્યાર્થીઓમાં પણ કેસ નોંધાતા હોવાનું સામે આવી રહ્યુ છે

Related Articles

Back to top button