गुजरात

CM ભૂપેન્દ્ર પટેલની નવા મંત્રીમંડળને સ્પષ્ટ સૂચના: ‘સાચું કામ લાવનારને અટકાવશો નહીં, ખોટું લઇને આવનારને રસ્તો બતાવી દેજો’

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સભ્યોને કેટલાક મહત્ત્વના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ તરફથી જાહેર થયેલા ફરમાન પ્રમાણે, મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે, કોઇના સાચા કામો અટકાવશો નહીં અને ખોટું કરનારાને રસ્તો બતાવી દેજો. નવી સરકારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે તેવી વચેટીયા પ્રવૃત્તિથી દૂર રહેશો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના મંત્રીઓએ એક પખવાડિયા સુધી ગાંધીનગર છોડવાનું નથી.

સોમવારે નવા મંત્રીઓ સંભાળશે ચાર્જ

ત્રણ પૂર્વ મંત્રીઓને બાદ કરતાં 21 મંત્રીઓ પહેલીવખત મંત્રી બન્યા હોવાથી તેમને સરકારી કામગીરી શિખવાની છે. પ્રત્યેક મંત્રીએ તેમના વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને કાર્યવાહી સમજવાની છે. કેબિનેટ અને ખાતાની ફાળવણી પછી મંત્રીઓ તેમના વિસ્તારમાં જતા રહ્યાં છે, હવે તેઓ સોમવારે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. કેબિનેટના સભ્યોને એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેઓએ સરકારી કામ સિવાય કોઇ પ્રવાસ કરવો નહીં. વિભાગોના અધિકારીઓ સાથે બેસીને ચાલુ વર્ષના બજેટના પેન્ડીંગ કામો પૂર્ણ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. પ્રત્યેક મંત્રીએ તેમના વિભાગનું પરફોર્મન્સ બતાવવું પડશે. એટલું જ નહીં, આ નવનિયુક્ત મંત્રીઓને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

નવા મંત્રીઓને ટાર્ગેટ પૂરા કરવા  વધારે મહેનત કરવી પડશે

14 મહિના પછી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના 150 પ્લસના ટારગેટને પૂર્ણ કરવા માટે હાઇકમાન્ડ અને પ્રદેશ એકમના કેટલાક એજન્ડા છે જેને પૂર્ણ કરવાની જવાબદારી ભૂપેન્દ્ર પટેલની ટીમની બની છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં જે કામો ઓનગોઇંગ હતા અને અને જે પ્રોજેક્ટ અધુરાં છે તેને પૂરાં કરવા સાથે ચૂંટણી જીતવા કઇ નવી યોજના લાવી શકાય તેમ છે તેનું માર્ગદર્શન પણ આ સભ્યો પાસેથી માગવામાં આવશે. નવી કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને કિરીટસિંહ રાણાને વહીવટી તંત્રનો અનુભવ છે, જ્યારે મોટાભાગના મંત્રીઓ નવા નિશાળીયા છે. મંત્રીઓએ વધારે મહેનત કરીને તેમની કાબેલિયત બતાવવી પડશે.

પૂર્વ મંત્રીઓની હાલત કેશુભાઇ જેવી થશે

વિજય રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓની હાલત હવે કેશુભાઇ પટેલ જેવી થશે, કેમ કે જ્યારે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે આખી બાજી પલટાઇ ગઇ હોવાથી અલગ દ્રશ્ય જોવા મળશે. રાજ્યમાં જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન હતું અને કેશુભાઇ પટેલ ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી રહી ચૂકેલા કેશુભાઇ મોદી સરકારમાં પ્રશ્નો પૂછતા હતા. હવે રૂપાણી સરકારના 22 પૂર્વ મંત્રીઓ વિધાનસભામાં જશે ત્યારે તેમને ઉત્તર આપવાનો નથી પણ સવાલ કરવાનો છે. વિધાનસભાના સત્રમાં જે ધારાસભ્યો અત્યાર સુધી સિનિયર મંત્રીઓને પ્રશ્નો પૂછતા હતા તેઓ મંત્રી બની ચૂક્યાં હોવાથી પૂર્વ મંત્રીઓને તેમના પ્રશ્નોના ઉત્તર આપશે.

Related Articles

Back to top button