गुजरात

અમદાવાદ: Instaની કોમેન્ટમાં મેનેજરની પત્નીના મોબાઈલ નંબર સાથે લખ્યું 40/-hr, મહિલા પરેશાન

અમદાવાદ: શહેરમાં મહિલાઓ સાયબર ક્રાઇમનો અતિશય પ્રમાણમાં ભોગ બની રહી છે. સાયબર ક્રાઇમ પોલીસમથકમાં રોજબરોજ અનેક અરજીઓ અને ફરિયાદો આવી રહી છે. જેમાં ફેક આઈડી બનાવવું, સમાજમાં બદનામ કરવા યુવતીના નામે લોકોને બીભત્સ મેસેજો કરવા, વીડિયો ફોટો વાયરલ કરવા જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સાયબર ક્રાઇમમાં આવી જ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક પરિણીતાનો કોન્ટેક્ટ નંબર ઇન્સ્ટાગ્રામ પર એક પેજ પરની પોસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને નંબરની બાજુમાં 40/-hr. લખ્યું હતું. અનેક લોકોના ફોન આવતા જ મહિલાએ સાયબર ક્રાઇમને અરજી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાનો પતિ નોઇડા રહે છે

શહેરના મોટેરામાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ યુપી નોઈડા ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે એક કંપનીમાં ફરજ બજાવે છે. જાન્યુઆરી માસમાં આ મહિલા તેમના પતિ પાસે ગયા હતા. ત્યારે ત્યાં તેમના પાડોશમાં એક યુવતી પુરુષ મિત્ર સાથે કઢંગી હાલતમાં ઉભી હતી. આ મહિલાને ચીડવવા આ બને લોકોએ વધુ હરકતો કરતા મહિલા ઘરમાં જતી રહી હતી. બાદમાં થોડીવાર પછી મહિલા બાલ્કનીમાં કપડા લેવા આવી ત્યારે આ યુવતી અને તેના પુરુષ મિત્રએ બીભત્સ હરકતો કરી હતી. જેથી મહિલાએ તેના પતિને આ બાબતે જાણ કરી અને બાદમાં મહિલા અમદાવાદ આવી ગઈ હતી.

ઇન્સ્ટા પર લખી હતી બીભત્સ કમેન્ટ

એકાદ માસ બાદ આ મહિલાને તેના પતિ મારફતે જાણ થઈ કે qqueen9468 નામના આઈડી ધારકે આ મહિલાનો ફોન નંબર મૂક્યો છે. બીજા આઈડી પર પણ આ મહિલાનો કોન્ટેક્ટ નંબર કૉમેન્ટમાં મૂકી તેની બાજુમાં 40/-hr. લખ્યું હતું. લોકોના ફોન આવતા જ મહિલાએ તપાસ કરી તો whatsapp_desi_video આઈડી પેજ પર આ મહિલાનો કૉમેન્ટમાં નંબર હતો. જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. મહિલાએ પોલીસ સમક્ષ નોઈડા ખાતે તેની જે પાડોશી હતી કે, જે પૂરૂષ મિત્ર સાથે બીભત્સ વર્તન મહિલાને બતાવવા કરતી હતી તેણે આ હરકત કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.

Related Articles

Back to top button