પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાના પગલે પીવાનું પાણી પણ મોંઘું | water becomes costly due to increase in price of petrol diesel

![]()
વડોદરાઃ પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના ભાવમાં થયેલા વધારાના પગલે હવે લોકોને મોંઘવારીનો ડોઝ મળી રહ્યો છે.હવે બજારમાં વેચાતા પાણીના જગ પણ મોંઘા થવા જઈ રહ્યા છે.
વડોદરામાં જગમાં પાણીનો સપ્લાય કરતા વેપારીઓના સંગઠન વડોદરા વોટર વેલફેર એસોસિએશનની એક બેઠક બે દિવસ પહેલા બોલાવવામાં આવી હતી.સંગઠનના પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું હતું કે, ફ્યુઅલના ભાવ તો વધ્યા જ છે પણ સાથે સાથે રો મટિરિયલ અને લેબરના ભાવમાં પણ વધારો થયો હોવાથી નાછૂટકે ભાવ વધારવાની ફરજ પડી રહી છે.છેલ્લે ૨૦૨૧માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.હવે ૧૮ લિટરના જગનો ભાવ ૩૦ રુપિયાથી વધારીને ૪૦ રુપિયા અને ૧૨ લિટરના જગનો ભાવ ૨૦ રુપિયાથી વધારીને ૩૦ રુપિયા કરવાનું બેઠકમાં નક્કી કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ૨૫૦ જેટલા વેપારીઓ જગમાં પાણી સપ્લાય કરે છે.સૌથી વધારે વેપારીઓ પૂર્વ વિસ્તારમાં છે.શહેરમાં પાણીની સમસ્યાના પગલે ઘણા દુકાનદારો જ નહીં પણ રહેવાસીઓ પણ પીવા માટે પાણીના જગ મંગાવે છે.રોજ હજારો જગોનું શહેરમાં વિતરણ થતું હોય છે.ઓછામાં ઓછો એક જગ મંગાવનાર વ્યક્તિ પર પણ મહિને ૨૦૦ થી ૩૦૦ રુપિયાનો બોજો આવશે.



