મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG Price Hike: Commercial Cylinder Price Increased by Rs 42

![]()
Commercial LPG Price Hike: નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.
ઘરેલુ રાંધણ ગેસના ભાવ યથાવત્
નવા દરો અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹42 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરોમાં વપરાતા 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ
દેશના જુદા જુદા મહાનગરોમાં ઓઇલ કંપનીઓ દ્વારા સ્થાનિક ટેક્સના આધારે અલગ-અલગ ભાવવધારો કરવામાં આવ્યો છે:
દિલ્હી: 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹42 વધીને હવે ₹3113.50 થઈ ગઈ છે.
કોલકાતા: અહીં વેપારીઓ પર સૌથી વધુ બોજ પડ્યો છે, જ્યાં કિંમત ₹53.50 વધીને ₹3255.50 પર પહોંચી ગઈ છે.
આ ભાવવધારાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક એકમો ચલાવતા નાના-મોટા વેપારીઓનું બજેટ ખોરવાશે અને બહાર ખાવા-પીવાનું મોંઘું થઈ શકે છે.
5 કિલોના નાના સિલિન્ડરમાં પણ વધારો
માત્ર મોટા જ નહીં, પરંતુ નાના વેપારીઓ અને મજૂર વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા 5 કિલોગ્રામના FTL (Free Trade LPG) સિલિન્ડરની કિંમતમાં પણ કંપનીઓએ ₹11નો ઉમેરો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 5 કિલોનો નાનો સિલિન્ડર હવે ₹821.50ની નવી કિંમતે મળશે.
વર્ષ 2026માં મોંઘવારીનો ગ્રાફ: 6 મહિનામાં કિંમતો બમણી થઈ
વર્ષ 2026ની શરૂઆતથી જ કોમર્શિયલ ગેસના ભાવમાં સતત આગ લાગી રહી છે. છેલ્લા 6 મહિનાના આંકડા પર નજર કરીએ તો કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે:
જાન્યુઆરી 2026: દિલ્હીમાં ભાવ ₹1691.50 હતો.
ફેબ્રુઆરી: ₹49નો વધારો.
માર્ચ: ₹115નો વધારો.
એપ્રિલ: ₹195.50નો વધારો.
મે: પ્રતિ સિલિન્ડર રેકોર્ડબ્રેક ₹993નો તોતિંગ વધારો થયો હતો.
જૂન: ફરી ₹42 વધતા હવે કિંમત ₹3113.50 થઈ ગઈ છે.
આમ, જાન્યુઆરીમાં જે સિલિન્ડર આશરે ₹1691.50 માં મળતું હતું, તે જૂન આવતા-આવતા ₹3113ને પાર થઈ ગયું છે, જેનાથી વેપાર જગતમાં ચિંતાનો માહોલ છે.



