ઈરાનના જ કટ્ટરપંથીઓ અમેરિકા સાથેની ‘ડીલ’ પાટા પરથી ઉતારી નાખવા માગે છે : મોજતબા પણ મુશ્કેલમાં | Iran’s own hardliners want to derail the ‘deal’ with America: Mojtaba is also in trouble

![]()
તહેરાનની સડકો ઉપર કટ્ટરપંથીઓએ રેલીઓ શરૂ કરી લોહીનાં છેલ્લાં ટીપાં સુધી લડી લેવાના નારાઓ ગજવ્યા
તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી ઘટવાની આશાઓ તો જાગી છે, પરંતુ ઇરાનમાં જ મતભેદો શરૂ થઈ ગયા છે. ઈરાનના કટ્ટરપંથીઓ સમજૂતી અંગેની મંત્રણાની ગાડી પાટા ઉપરથી ઉતારી દેવા દરેક પ્રકારે પ્રયત્નો કરી રહ્યાં છે. આ જૂથ ઈરાનની સંસદથી શરૂ કરી દેશની સલામતી સમિતિની પરિષદ સુધી સક્રિય છે.
એકમત તેવો પણ છે કે, આ કટ્ટરપંથીઓ પ્રમાણમાં ઘણી ઓછી સંખ્યામાં છે, પરંતુ સત્ય હકીકત તે છે કે આ ઝનૂની જૂથો રેલીઓ, સોશ્યલ મિડીયા અને સરકારી ટીવી દ્વારા પણ સરકાર ઉપર ભારે દબાણ કરી રહ્યાં છે.
બીજી તરફ વોંશિંગ્ટનમાં પણ સ્થિતિ સ્પષ્ટ નથી. પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જ વ્હાઈટ હાઉસના સિચ્યુએશન રૂમમાં કેબિનેટ સાથે લંબાણપૂર્વક મંત્રણા કરી હતી, પરંતુ સમજૂતી ઉપર કોઈ અંતિમ મહોર લાગી નથી.
ઈરાનના મુખ્ય મંત્રણાકાર મોહમ્મદ બાઘેર ગલિબાફ પણ ફૂંકી ફૂંકીને પગલાં ભરે છે, સાથે તેમ પણ કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પહેલ નહીં કરે ત્યાં સુધી ઈરાન એક ઇંચ પણ પાછું નહીં હટે.
ઈરાનમાં ચાલતા આ અંતર-વિગ્રહનું કેન્દ્ર સ્ટેટ ટીવી બની ગયું છે. વાસ્તવમાં વહીવટ ખરા અર્થમાં કટ્ટરપંથીઓના હાથમાં જ હોવાથી સરકારી ચેનલ સતત મંત્રણાઓ નિષ્ફળ જતી હોવાનું દર્શાવે છે. પ્રમુખ પેઝેશ્કીયાનને આ માહિતી મળતાં તેમણે ટીવી અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. તેઓએ કહ્યું કે જ્યારે પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની પોતે મંત્રણાનાં મેજ ઉપર મળતા હતા તો હવે તે બાબતને ભૂલ ભરેલી શા માટે દર્શાવાઈ રહી છે ?
આમ છતાં નક્કર હકીકત તે છે કે કટ્ટરપંથીઓ તહેરાન સહિત ઇરાનનાં મોટાં શહેરોમાં રેલીઓ કાઢી રહ્યાં છે. અને તેઓ જોરદાર નારા લગાવી રહ્યાં છે, સાથે લોહીનાં છેલ્લાં ટીપાં સુધી લડી લેવાની વાત કરતા અમેરિકાને સજા આપવાના નારા લગાવે છે. રૂઢીવાદી સાંસદ, ઇબ્રાહીમ અજીજી જેવા નેતા તો ખુલ્લેઆમ કહે છે કે ઃ ઈરાન જ અત્યારે આ યુદ્ધમાં વિજેતા છે. તેની શર્તો અમે નિશ્ચિત કરીશું.
આશ્ચર્યની વાત તો તે છે કે આ કટ્ટરપંથીઓ આયતુલ્લાહ ખામેનેઈનાં સ્થાને બેઠેલા તેમના પુત્ર મોજતબા ખામેનીને દેશદ્રોહ અને બ્લેક-શિપ (કાળાં ઘેટાં) કહ્યાં છે.
ટૂંકમાં ઇરાનમાં ચાલતો આ સત્તા સંઘર્ષ યોગ્ય નથી. કટ્ટરપંથીઓ માત્ર અમેરિકા સાથે સમજૂતી સાધવાનો જ વિરોધ કરતા નથી પરંતુ તે જૂથોને પણ નિર્બળ કરવા માગે છે કે જેઓ આ અશાંતિમાંથી માર્ગ શોધવા માગે છે.



