गुजरात

પંચમહાલ: માંડવામાં ચાલતી હતી લગ્નની વિધિ, અચાનક તંત્ર ત્રાટકતા અટકાવાયા બે બાળ લગ્ન

પંચમહાલ : સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગે બે બાળ લગ્ન અટકાવ્યા છે. ઘોઘમ્બાના બોર ગામે સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા સગીર વરરાજા સાથેની જાન પરત ફરી હતી. ટીમે મોયરામાં લગ્નની વિધિ અટકાવી અને મંડપ ખોલાવ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બે બાળ લગ્નો થતા અટકાવ્યા છે. સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ લખારાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે કાલોલ તાલુકાના ચલાલી મુકામે યોજાઈ રહેલા લગ્ન બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ પોલીસને સાથે રાખીને ટીમ ચલાલી ખાતે પહોંચી ગઈ હતી.

દરમિયાન ટીમે પૃચ્છા કરતાં વરરાજાની ઉંમર ૧૭ વર્ષ હોવાનું જણાયુ હતું. એવી જ રીતે ઘોઘમ્બા તાલુકાના બોર ગામે યોજાઈ રહેલા લગ્ન પણ બાળ લગ્ન હોવા અંગેની જાણ સમાજ સુરક્ષા વિભાગને થઈ હતી. જે આધારે સમાજ સુરક્ષા ટીમે ત્યાં જઈને તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે ૧૬ અને ૧૭ વર્ષ હોવાનું જણાયું હતું.

Related Articles

Back to top button