गुजरात

સાણંદ કંડલા હાઇવે પર વહેલી સવારથી કૉંગ્રેસે ટાયર સળગાવી કર્યું વિરોધ પ્રદર્શન, રસ્તા થયા ચક્કાજામ

આઠમી ડિસેમ્બર એટલે આજે, ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે. ત્યારે રાજ્યમાં વહેલી સવારથી કૉંગ્રેસ વિરોધ પ્રદર્શનમાં લાગી છે. અમદાવાદ જીલ્લા કૉંગ્રેસે સાણંદ કંડલા હાઇવે પર વહેલી સવારે જાહેર રસ્તાઓ પર ટાયર સળગાવીને ચક્કાજામ કર્યો હતો. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે વાહનોની એક કિલોમીટર લાંબી કતારો સર્જાઇ હતી. જોકે, આ વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ એમ્બ્યુલન્સને જવાનો માર્ગ કરી આપ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સાણંદ પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

કૉંગ્રેસનાં કાર્યકર્તાઓએ વહેલી સવારથી સાણંદ હાઇવે ચક્કાજામ કર્યો હતો. કેટલાક કાર્યકરોએ લોકોના જવાના માર્ગમાં જ ટાયરો બાળીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. જોકે, હાઇવે પર પોલીસ બંદોબસ્ત હોવાને કારણે થોડીવારમાં જ ટ્રાફિક હળવો બન્યો હતો.

અમિત ચાવડાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ખેડૂતો અન્નદાતા છે. તેમના હક- અધિકાર માટે સરકાર સામે છેલ્લા શ્વાસ સુધી લડીશુ. પરંતુ કોઇપણ સામાન્ય માણસ પરેશાન ન થાય તે પણ અમારી જવાબદારી છે, તે અમારી જવાબદારી બખૂબી જાણીએ છીએ. જરૂરી સેવા ન રોકાય તેનું ધ્યાન કાર્યકર્તાઓ અને ખેડૂતો રાખી રહ્યાં છે. નોંધનીય છે કે, સાણંદ કંડલા હાઇવે પર વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ એમ્બ્યુલન્સને જવાનો માર્ગ કરી આપ્યો હતો.

Related Articles

Back to top button