અમદાવાદ : ‘તું હોટલમાં છોકરી સાથે ગયો હતો, પોલીસ સ્ટેશન આવવું પડશે,’ યુવકને 30,000નો ‘ચાંલ્લો’ થયો
અમદાવાદ: નરોડા જીઆઇડીસીમાં નોકરી કરતો યુવક પાનના ગલ્લે ઉભો હતો ત્યારે સ્પોર્ટ બાઇક પર બે શખશો ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાનું જણાવી યુવકને લઈ ગયા હતા. ઓઢવમાં એક હોટલમાં (Hotel) યુવતી સાથે ગયો હોવાથી કેસ થયો છે જેથી ઓઢવ પોલીસસ્ટેશન આવવું પડશે તેમ કહી આ યુવકને લઈ ગયા હતા. જોકે રસ્તામાં યુવક ભોળો હોવાનું કહી ખર્ચો પાણી માંગ્યા હતા. આ ભોગ બનનાર યુવક પાસે પૈસા ન હોવાથી તેણે એક દુકાનદારને પૈસા ટ્રાન્સફર કરી તેની પાસેથી રોકડા લઈને બને નકલી પોલીસને 30 હજાર આપી રવાના કર્યા હતા.
શહેરના મેઘાણીનગર માં રહેતા મનોજ ભાઈ પટણી નરોડા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ફેબ્રુઆરી માસમાં મનોજભાઈ બપોરના સુમારે નરોડા સુતરના ચાર રસ્તા પાસે એક પાનના ગલ્લા પર પોતાની બાઇક લઇને ઉભા હતા. તે વખતે એક સ્પોર્ટ બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તેઓ ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં (Crime Branch Police) છે તેવી ઓળખ આપી હતી.