સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in ca inter result in vadodara

![]()
વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સીએ ઈન્ટરની પરીક્ષાનુ આજે પરિણામ જાહેર થયું છે.વડોદરામાંથી ૧૨૩૧ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૧૪૯ વિદ્યાર્થીઓ પાસ થતા વડોદરાનું પરિણામ ૧૨.૧૦ ટકા આવ્યું છે.આ પૈકી ૩૭૯ વિદ્યાર્થીઓએ બંને ગુ્રપની સાથે પરીક્ષા આપી હતી અને તેમાંથી ૨૧ વિદ્યાર્થીઓ બંને ગુ્રપ એક સાથે પાસ કરી શક્યા છે.જ્યારે પહેલા ગુ્રપની જ પરીક્ષા આપનારા ૫૪૪ પૈકી ૪૮ અને બીજા ગુ્રપની જ પરીક્ષા આપનારા ૩૦૮ પૈકી ૬૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.જોકે દેશના સરેરાશ પરિણામ કરતા વડોદરાનું પરિણામ અડધું છે.ઉપરાંત વડોદરાનો એક પણ વિદ્યાર્થી દેશના ટોપ સ્ટુડન્ટસમાં સ્થાન મેળવી શક્યો નથી.
સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો હતો
હુ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો હતો પણ મર્યાદામાં રહીને.મને તો સોશ્યલ મીડિયાથી કોઈ ફરિયાદ નથી.બીકોમ પછી પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.ઈન્ટરની પરીક્ષાની જેમ ફાઈનલ પરીક્ષામાં પણ રેન્કિંગનું વિચાર્યું નથી.પિતા ફર્નિચરની દુકાન ધરાવે છે.
યશ મિસ્ત્રી,૩૯૮ માર્કસ, વડોદરામાં પ્રથમ
તનાવના કારણે ડ્રોપ લેવાનું વિચાર્યું હતું
રોજ ૧૦ થી ૧૨ કલાક રિવિઝન કરતો હતો.માતા-પિતાએ બહું સપોર્ટ કર્યો હતો.તનાવના કારણે એક તબક્કે તો ડ્રોપ લેવાનું વિચાર્યું હતું પણ માતા-પિતાએ હિંમત આપી હતી અને કહ્યું હતું કે, તું પાસ થઈ જઈશ.આજે તેમના શબ્દો સાચા પડયા છે.
લક્ષ સુરાના, ૩૯૭ માર્કસ, વડોદરામાં બીજો
પિતા સ્કૂલ વાન ચલાવે છે, મોબાઈલ પણ નથી
મારા પિતા સ્કૂલ વાન ચલાવે છે.મારી પાસે તો અત્યાર સુધી મોબાઈલ પણ નથી.અભ્યાસ માટે પણ વોટસએપની જરુર પડે તો પિતાનો મોબાઈલ વાપરતી હતી.બીકોમ કર્યા બાદ સીએ કરવાનો વિચાર આવ્યો હતો અને આર્થિક સ્થિતિ સારી નહીં હોવા છતા પરિવારે આગળ ભણાવી છે.
કૃપાલી રબારી, ૩૮૧ માર્ક, વડોદરામાં ત્રીજો ક્રમ


