પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks poison after mother in law sends video of husband’s death

![]()
પોરબંદર પંથકમાં ત્રણ લોકો દ્વારા આપઘાતની કોશિષ
મોઢવાડા ગામે સાસુ- સસરાથી જુદા રહેવા જવાની વાતે ખીજ ચડી જતાં યુવતીએ, પોરબંદરમાં બીમારીથી કંટાળી વૃદ્ધે ઝેરી દવા પીધી
પોરબંદર: પોરબંદર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલાનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવો વીડિયો તેની સાસુએ ફોનમાં મોકલતા આઘાત લાગતા આ મહિલા પોલીસ કર્મચારીએ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
પોરબંદર પોલીસમાં ફરજ બજાવતા અને ઉદ્યોગનગર આશાપુરા ચોક ખાતે રહેતા નીલમબેન રમણીકભાઇ પ્રજાપતિ (ઉ.વ. ૩૭)એ ઉંદર મારવાની ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ભાનમાં આવતા નાયબ મામલતદાર સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે તેના પતિ મૃત્યુ પામ્યા હોય તેવો વીડિયો મોબાઇલ ફોનથી તેના સાસુએ મોકલ્યો હતો જેથી આઘાત લાગતા તેમણે દવા પીધી હતી. આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.
મોઢવાડા ગામે વાછરાડાડાના મંદિર પાસે રહેતા નિરૂપાબેન રામભાઇ મોઢવાડીયા (ઉ.વ.૨૧) દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે તેમના સાસુ સસરાથી જુદા રહેવાની ઘરમાં વાતચીત ચાલતી હતી જે બાબતે ખીજ ચડી જતા નીરૂએ રૂમમાં જઇને દરવાજો બંધ કરીને મગફળીના મુંડા મારવાની ઝેરી દવા પી લીધી હતી.
પોરબંદરમાં રસિકભાઇ મુકુંદભાઇ મોરબીયા (ઉ.વ. ૭૦)ને કેન્સરની બીમારી હોવાથી તેનાથી કંટાળી ૨૧મી જૂને રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં માંકડ મારવાની ઝેરી દવા પી લીધી હતી તેથી સારવાર માટે તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.



