गुजरात

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિમી લાંબી પદયાત્રા | Gujarat Kisan Congress High Voltage Power Line Farmer Protest Dwarka Padyatra



High Voltage Power Line Protest: વીજલાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે છે. ખેતરોમાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજલાઈનોના મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ગયા અઠવાડિયે ખેડૂત નેતા અને કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરની રેલી કાઢવામાં આવી હતી જે બાદ હવે આગામી 26મી તારીખથી ગુજરાતમાં કિસાન અધિકાર પદયાત્રા યોજાવા જઈ રહી છે. આ યાત્રા બે અલગ-અલગ રૂટ, કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, હળવદ પરથી શરૂ થશે. આ બંને યાત્રાઓ લતીપર ખાતે ભેગી થશે અને ત્યાંથી 500 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને એકસાથે દ્વારકા પહોંચશે. આજે સોમવારે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કિસાન કોંગ્રેસ સંગઠને જાહેરાત કરી હતી. 

કિસાન અધિકાર પદયાત્રાનો રૂટ

પ્રથમ યાત્રા (કચ્છ રૂટ): આ યાત્રા 26મી તારીખે વ્રજવાણીથી શરૂ થશે. ત્યારબાદ તે ગેડી, ચલાડી, પ્રાગટપર, ચિત્રોડ, લાકડીયા અને શિકારપુર થઈને માળિયાના ખારા પાટમાં પહોંચશે. ત્યાંથી તે આમરણ થઈને લતીપર (લતીપુર) પહોંચશે.  બીજી યાત્રા (સુરેન્દ્રનગર રૂટ): આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ગામો (જેવા કે કોંડ અને સાપકડા) થી શરૂ થશે. ત્યાંથી તે સરા વિસ્તાર થઈને વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં થઈને લતીપર (લતીપુર) પહોંચશે. આ બંને યાત્રાઓ લતીપર (લતીપુર) વિસ્તારમાં ભેગી થશે અને ત્યાંથી બંને યાત્રાઓ એકસાથે દ્વારકા પહોંચશે.  વ્રજવાણીથી દ્વારકા સુધીની પ્રથમ યાત્રા 400 કિલોમીટરથી વધુ લાંબી હશે, જ્યારે ધ્રાંગધ્રા બાજુથી નીકળતી યાત્રા લતીપુર પહોંચે ત્યાં સુધીમાં સવા સો કિલોમીટર જેટલું અંતર કાપશે. ખેડૂતો આ આખી યાત્રા પગપાળા ચાલીને પૂર્ણ કરશે અને દ્વારકાધીશને પોતાની વ્યથા જણાવશે.

શું છે માંગ?

આ અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ કહ્યું કે, ‘અમે કિસાન કોંગ્રેસ અને અન્ય સંગઠનો સાથે મળીને ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનોના પ્રશ્ને સરકાર સામે સતત લડી રહ્યા છીએ. અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર મળે અથવા પોલ દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું કે 2 કરોડનું વન-ટાઇમ સેટલમેન્ટ આપવામાં આવે, તેમજ વીજલાઈનના તાર પડવાથી કે તણખા ઝરવાથી ખેડૂતોના જીવ અને પાક પર જે જોખમ રહેલું છે તેના રક્ષણ માટે સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ. અમે ખેડૂતોની વચ્ચે જઈને તેમને કાયદાકીય સમજ આપી છે, કંપનીઓના ગેરકાયદેસર કામો બંધ કરાવ્યા છે અને ‘ચલો ગાંધીનગર’નું એલાન પણ આપ્યું, છતાં આ સરકાર અમારી વાત જરાય સાંભળતી નથી. તેથી, આ સરકારને સદ્દબુદ્ધિ મળે તે માટે હવે અમે આગામી 26 તારીખે વ્રજવાણીથી ધજા લઈને ભગવાન દ્વારકાધીશના શરણે જવાના છીએ અને એક ખેડૂત તરીકે ત્યાં જઈને અમારી ફરિયાદ કરીશું.

આ પણ વાંચો: અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા તંત્રની ઝુંબેશ, 44 બાળકોનું રેસ્ક્યૂ, 5 મહિલાઓ સહિત 20ને ભિક્ષુક ગૃહ ખસેડ્યા

આ અંગે ખેડૂત નેતા લાલજી દેસાઈએ જણાવ્યું કે, અમે કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2નો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે ટ્રેક્ટરના બદલે ભર ચોમાસે પગપાળા ચાલીને બહેરી અને મૂંગી સરકારને ખેડૂતોને લૂંટવાનું બંધ કરવા કહીશું. ભાજપ સરકાર 130 ગીગાવોટથી વધુ વીજળી પસાર કરવા માટે ગુજરાતમાં 100થી વધુ વીજ લાઈનો નાખવાની છે, જેનાથી રાજ્યમાં આશરે દોઢ લાખ થાંભલા નખાશે અને ખેડૂતોની 28 લાખ વીઘાથી વધુ ફળદ્રુપ જમીન બરબાદ થઈ જશે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સરદાર પટેલના ખેડા અને બારડોલી સત્યાગ્રહની જેમ અમારી આ લડાઈ મક્કમતાથી ચાલુ રાખીશું.





Source link

Related Articles

Back to top button